UpdatedIST

Dahod: ગરબાડામાં શિવજીની યાત્રા દરમિયાન લાગી ભયાનક આગ, વૃદ્ધ જીવતા સળગ્યા; 12 કલાકની સારવાર બાદ થયું દુઃખદ નિધન

ગરબાડામાં ગત 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ મહાશિવરાત્રી નિમિત્તે શિવજી યાત્રા યોજાઈ હતી, જે દરમિયાન આ દુર્ઘટના બની હતી. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 17 Feb 2026 08:28 AM (IST)Updated: Tue 17 Feb 2026 08:28 AM (IST)
dahod-garbada-shivji-yatra-fire-incident-elderly-man-was-died-after-burnt-alive-693425
HIGHLIGHTS
  • ગરબાડામાં ગત રવિવારે બની હતી આગની દુર્ઘટના
  • મહાશિવરાત્રી નિમિત્તે યોજાઈ હતી શિવજીની યાત્રા
  • આગમાં દાઝી જવાથી વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

Dahod accident news: દાહોદ જિલ્લાના ગરબાડામાં ગત 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ એક ગંભીર દુર્ઘટના બની હતી. મહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજીની યાત્રા સમયે બનેલા એક આગના અકસ્માતમાં એક વૃદ્ધ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જોકે, કમનસીબે 12 કલાકની સારવાર બાદ દાઝેલા વૃદ્ધનું મોત થયું છે.

ગરબાડામાં યોજાઈ શિવજીની યાત્રા

આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ગત 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ મહાશિવરાત્રી નિમિત્તે ગરબાડામાં શિવજીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીના સમયે આ યાત્રા દરમિયાન કરતબો કરવામાં આવે છે. આ કરતબ જોવા અનેક લોકો સ્થળ પર પહોંચ્યા હતા, જેમાં મૃતક રમણભાઈ રાઠોડ પણ સામેલ હતા.

કરતબ દરમિયાન અકસ્માતે લાગી આગ

કરતબ કરતી મંડળી દ્વારા આગના કરતબ કરવા માટે પેટ્રોલ છાંટીને અગાઉથી જ વર્તુળ બનાવવામાં આવ્યું હતું. આગના કરતબની તૈયારી માટે સંપૂર્ણ વર્તુળ બનાવવા જતા કરતબ કરનારના હાથમાંથી પેટ્રોલનું કેન નીચે પડી ગયું, અને અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ નાસભાગ મચી ગઈ.

વૃદ્ધ રમણભાઈ જીવતા સળગ્યા

આ દરમિયાન ધક્કો લાગવાથી રમણભાઈ આગની ચપેટમાં આવી ગયા અને જીવતા સળગવા લાગ્યા હતા. આ દુર્ઘટના સમયે ત્યાં હાજર લોકોએ રમણભાઈને બચાવવાનો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભયાનક આગના કારણે રમણભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. રમણભાઈને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

સારવાર દરમિયાન થયું દુઃખદ નિધન

ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી, છતા 12 કલાક મોત સામે ઝઝૂમ્યા બાદ અંતે રમણભાઈ જીંદગી સામેનો જંગ હારી ગયા. વૃદ્ધનું નિધન થતા હાલ તેમનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. રમણભાઈના મોતથી તેમના પરિવારમાં શોકનો માહોલ છે.

મૃતકના પુત્ર જશવંત રાઠોડે જણાવ્યું હતું કે, મારા પિતા શિવજી કી સવારીની યાત્રા જોવા ગયા હતા. તે દરમિયાન તેઓ આગની ચપેટમાં આવી ગયા હતા, અને ગંભીર રીતે દાઝી ગયા હતા. જેના કારણે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારના રોજ બપોરના સમયે તેઓ મૃત્યુ પામ્યા હતા.