UpdatedIST

દાહોદ-લીમખેડા હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે ચડ્યો દીપડો, ઘટનાસ્થળે જ થયું કમકમાટીભર્યું મોત

દાંતિયા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા દીપડાને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 07 Feb 2026 12:19 PM (IST)Updated: Sat 07 Feb 2026 12:19 PM (IST)
dahod-limkheda-highway-leopard-died-due-to-hit-by-vehicle-on-near-dantia-687513
HIGHLIGHTS
  • દાંતિયા ગામ નજીક એક દીપડાનો મૃતદેહ મળ્યો
  • રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનની ટક્કર વાગી હતી
  • મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો

Leopard dies after hit by vehicle: દાહોદ-લીમખેડા નેશનલ હાઈવે પર ફરી એકવાર વન્યજીવને લાગતા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતિયા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા દીપડાને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો. આ બનાવમાં દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વહેલી સવારના સમયે બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

અજાણ્યા વાહનની અડફેટે આવ્યો રોડ પાર કરતો દીપડા

પ્રાપ્ત વિગતો મુજબ, દાંતિયા ગામ પાસે હાઇવે પર દીપડો એક બાજુથી બીજી બાજુ જવા માટે રોડ પાર કરી રહ્યો હતો. એ જ સમયે પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહને દીપડાને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે દીપડો રોડના ડિવાઇડર પર ફંગોળાઈ ગયો અને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહનચાલકોમાં ભય અને ઉત્સુકતા જોવા મળી હતી. આ ઘટનાની જાણ નેશનલ હાઈવે પેટ્રોલિંગની ટીમને થતા જ પેટ્રોલિંગ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પેટ્રોલિંગ ટીમે રોડ પર પડેલા દીપડાના મૃતદેહને જોઈ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

દીપડાનું થયું મોત, મૃતદેહને PM માટે મોકલ્યો

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં દીપડાનું મોત વાહનની ટક્કરથી થયાનું જણાઈ રહ્યું છે. દીપડાના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણોની પુષ્ટિ કરવામાં આવશે.

વન્યજીવોની સુરક્ષા તમારી પણ જવાબદારી 

ઉલ્લેખનીય છે કે, દાહોદ અને લીમખેડા પંથકમાં જંગલ વિસ્તાર નજીકથી પસાર થતા હાઇવે પર અવારનવાર વન્યજીવો રોડ ક્રોસ કરવા માટે બહાર આવતા હોય છે. ઝડપી વાહન ચાલન અને અંધારામાં પૂરતી સાવચેતી ન રાખવાના કારણે આવા અકસ્માત વધી રહ્યા છે. સ્થાનિક લોકોએ હાઇવે પર વન્યજીવો માટે ચેતવણીના સાઇનબોર્ડ, સ્પીડ લિમિટ અને જરૂરી સુરક્ષા પગલાં લેવા તંત્રને અપીલ કરી છે.