Gujarat Local Body Polls 2026:દાહોદ ભાજપમાં 'નો-રિપીટ' થીયરીનો સપાટો, જિલ્લા પંચાયત અને પાલિકામાં અનેક દિગ્ગજોના પત્તા કપાયા

દાહોદ જિલ્લા પંચાયતની 50 પૈકી 48 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યાં, જેમાં 43 બેઠકો પર નવા ચહેરાને તક આપવામાં આવી. પીપેરો બેઠક પર પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્રને ટિકિટ અપાઈ શકે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 09 Apr 2026 10:58 PM (IST)Updated: Thu 09 Apr 2026 10:58 PM (IST)
dahod-local-body-polls-2026-bjp-applies-no-repeat-formula-drops-senior-leaders-725011
HIGHLIGHTS
  • ઝાલોદના ધારાસભ્ય મહેશ ભૂરિયાના પુત્રવધુની ટિકિટ કપાઈ
  • કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા માત્ર બે સભ્યો તક આપવામાં આવી

Dahod: સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને (Gujarat Local Body Polls 2026) ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ દાહોદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે આ વખતે આક્રમક વલણ અપનાવી 'નો-રિપીટ' થિયરીનો કડક અમલ કર્યો છે, જેના કારણે વર્ષોથી સત્તા પર રહેલા દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ ગયા છે.

દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં અત્યાર સુધીનો સૌથી મોટો અપસેટ સર્જતા 43 બેઠકો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. માત્ર 5 જૂના ઉમેદવારોને જ રિપીટ કરી પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, હવે યુવા અને નવા લોહીને તક આપવામાં આવશે.

પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, કરણસિંહ ડામોર અને દક્ષાબેન પરમારની ટિકિટ કાપી નાખવામાં આવી છે. પૂર્વ ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલીયા અને સરતન ચૌહાણનું પણ પત્તું કપાયું છે. સૌથી વધુ ચર્ચા ઝાલોદના ધારાસભ્ય મહેશ ભૂરિયાના પુત્રવધૂ પીનલ ભૂરિયાની ટિકિટ કપાવાને લઈને થઈ રહી છે.

બીજી તરફ ખંગેલા અને પીપેરો બેઠક પર હજુ નામ અકબંધ છે. ચર્ચા છે કે, મનરેગા કૌભાંડમાં વિવાદિત બનેલા પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ પર પીપેરો બેઠક માટે પક્ષ દાવ ખેલી શકે છે.

નગરપાલિકામાં તો ભાજપે ક્લીન સ્વીપ કરતા 36માંથી 34 વર્તમાન કાઉન્સિલરોની ટિકિટ કાપી નાખી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા માત્ર બે સભ્યો, લક્ષ્મીબેન ભાટ અને ઇસ્તીયાક સૈયદને જ ફરી તક મળી છે. પૂર્વ પ્રમુખ નીરજ દેસાઈ, શ્રદ્ધા ભડંગ અને લખન રાજગોર જેવા દિગ્ગજોની બાદબાકી થતા રાજકીય આલમમાં અજંપો વ્યાપ્યો છે.

ભાજપના આ 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવા નિર્ણયથી સ્થાનિક સ્તરે નારાજગીનો સૂર ઉઠ્યો છે. ટિકિટ વંચિત રહેલા અનેક દિગ્ગજો હવે અપક્ષ અથવા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે, જે ભાજપની વોટબેંકને નુકસાન પહોંચાડી શકે છે.