Dahod News: દાહોદ શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ મહિલા દ્વારા અપહરણ અને શારીરિક અડપલાં કરવાની ગંભીર ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક વિગતો પ્રમાણે, મહિલાને નોકરી અપાવવાની લાલચ આપી દેવેન્દ્ર મેડાએ પોતાની કારમાં બેસાડી અપહરણ કર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ દરમ્યાન આરોપીએ ગાડીની અંદર મહિલા સાથે શારીરિક અડપલાં પણ કર્યા હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થયા બાદ દાહોદ બી ડિવિઝન પોલીસે દેવેન્દ્ર મેડાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેવેન્દ્ર મેડા થોડા દિવસ અગાઉ જ પૂર્વ BTP ગુજરાત પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. નવા રાજકીય વેશમાં પ્રવેશ કર્યા બાદ જ તેમના નામે આવી ગંભીર ફરિયાદ દાખલ થવાને કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
પોલીસ સૂત્રો પ્રમાણે મેડા વિરુદ્ધ અગાઉ પણ હથિયાર ધારા સહિત અનેક પ્રકારના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. નવા કેસ પછી તેમના નામ ઉપર વધુ એક આરોપનો ઉમેરો થતાં સમગ્ર મામલાએ રાજકીય ગરમાવો ચડાવ્યો છે. સ્થાનિક સ્તરે પક્ષના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ચર્ચાઓ અને ટિપ્પણી-પ્રતિક્રિયાઓ પણ ઉગ્ર બની રહી છે.
હાલ દાહોદ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે અને ફરિયાદમાં ઉલ્લેખિત તમામ મુદ્દાઓની વિગતો મેળવવા માટે પ્રયત્નો ચાલુ છે. પોલીસે પીડિતા મહિલા સાથે નિવેદન સહિત જરૂરી પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા આગળ ધપાવી છે. આરોપોની ગંભીરતાને ધ્યાનમાં લેતા તપાસની દિશા અને પરિણામો પર સૌની નજર કેન્દ્રિત થઈ છે.
