Dahod: હડપ નદીના કિનારે પ્રેમી પંખીડાનો આપઘાત, બાવળના ઝાડ પર ઓઢણી લટકાવી બે છેડા ગળામાં બાંધી જીવન ટૂંકાવ્યું

તાજેતરમાં જ ધો.10ની બોર્ડની પરીક્ષા આપનાર સગીરા મોડી રાતે ઘરેથી નીકળી ગઈ હતી. સવારે પથારીમાં સગીરાને ના જોતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી તો નદી કિનારે યુવક સાથે લટકતી મળી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 18 Apr 2026 10:54 PM (IST)Updated: Sat, 18 Apr 2026 10:54 PM (IST)
dahod-news-teenage-girl-and-boy-found-dead-near-hadap-river-in-suspected-suicide-pact
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • પ્રેમ સબંધમાં સમાજ દુશ્મન બનશે તે બીકે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન

Dahod: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામના એક યુવક અને ધોરણ 10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થિનીએ લીમખેડાના અંધારી ગામ પાસે હડપ નદીના કિનારે રહસ્યમય સંજોગોમાં સજોડે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક જ ઓઢણી વડે બાવળના ઝાડ પર ગળાફાંસો ખાઈ લેતા બંને પરિવારોમાં માતમ છવાયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ધાનપુરના દુધામલી ગામના ચોપડા ફળિયામાં રહેતી 15 વર્ષીય સગીરા પીપેરો ગામમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ગત ગુરુવારે રાતે સગીરા પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. સવારે પુત્રી ઘરે ના દેખાતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન સવારે 8 વાગ્યાના સુમારે ગ્રામજનોને જાણ થઈ હતી કે, અંધારી ગામે હડપ નદીના કિનારે એક યુવક અને યુવતીની લાશ બાવળના ઝાડ પર લટકી રહી છે. જેથી તપાસ તપાસ કરતા મૃતક મોડી રાતે ઘરેથી ગુમ થયેલી સગીરા હોવાનું તેમજ યુવક હર્ષદ પટેલે એક જ ઓઢણીના બે છેડા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

જે બાદ બન્નેના મૃતદેહોને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે લીમખેડાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે બન્નેએ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. આશાસ્પદ પુત્રી અને યુવાન પુત્રના અકાળે અવસાનથી દુધામલી ગામમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.