Dahod News: મધ્યપ્રદેશના આલીરાજપુર જિલ્લાના જોબટ નજીક આવેલા ઉદયગઢ ગામમાં એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતા સમાન સસરાએ જ પોતાની પુત્રવધૂની અસ્મત લૂંટતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. દાહોદની દીકરી સાથે સાસરીમાં થયેલા આ અત્યાચાર બાદ તેણે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
લગ્નના ગણતરીના દિવસોમાં જ જીવન નર્ક બન્યું
દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામની એક યુવતીના લગ્ન ગત 25 જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના ઉદયગઢના યુવક સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદના પ્રારંભિક દિવસો ખુશીમાં વીત્યા હતા. રીત મુજબ ત્રીજા દિવસે દીકરીનું આણું કરવામાં આવ્યું અને પરિવારજનોએ દીકરી સુખી થશે તેવી આશા સાથે તેને સાસરે વળાવી હતી. પરંતુ કોઈને કલ્પના નહોતી કે સાસરે પહોંચ્યાના માત્ર 72 કલાકમાં જ દીકરી પર આભ તૂટી પડશે.
કેફી ચોકલેટ આપી નરાધમ સસરાએ આચર્યું પાપ
ઘટનાની વિગતો મુજબ, 9 ફેબ્રુઆરીના રોજ નવોઢાનો પતિ કામ અર્થે ઘરની બહાર ગયો હતો. ઘરમાં પુત્રવધૂને એકલી જોઈ સસરાની દાનત બગડી હતી. સસરાએ નવોઢાને વિશ્વાસમાં લઈ કેફી દ્રવ્ય ભેળવેલી એક ચોકલેટ ખાવા આપી હતી. નિર્દોષ પુત્રવધૂએ સસરા પર ભરોસો રાખી ચોકલેટ ખાધી અને થોડી જ વારમાં તે બેભાન થઈ ગઈ હતી. વાસનામાં અંધ બનેલા સસરાએ પુત્રવધૂની બેભાન અવસ્થાનો લાભ ઉઠાવી તેના પર બળાત્કાર આચર્યો હતો. જ્યારે નવોઢા ભાનમાં આવી ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી. અસહ્ય પીડા અને રક્તસ્ત્રાવ વચ્ચે તેને અહેસાસ થયો કે તેની સાથે સસરાએ જ જઘન્ય કૃત્ય કર્યું છે.
આઘાતમાં સરી પડેલી પીડિતાનો આત્મહત્યાનો પ્રયાસ
જે વ્યક્તિને પિતા તુલ્ય માની હતી તેના જ હાથે આબરૂ લૂંટાતા નવોઢા માનસિક રીતે ભાંગી પડી હતી. આ શરમ અને આઘાત સહન ન થતા તેણે ઘરના પહેલા માળેથી નીચે ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નીચે પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી પરંતુ ચમત્કારિક રીતે તેનો જીવ બચી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં ખૂલી હકીકત: ઝીરો નંબરથી ફરિયાદ
હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલી નવોઢાએ હિંમત ભેગી કરી પોતાના માતા-પિતાને રડતા રડતા પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી. દીકરીની વાત સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પિતાએ તાત્કાલિક દાહોદ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટના મધ્યપ્રદેશની હોવા છતાં દાહોદ પોલીસે મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક ઝીરો નંબરથી ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ આ મામલે મધ્યપ્રદેશની જોબટ પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં મધ્યપ્રદેશ પોલીસે નરાધમ સસરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે પીડિતા દાહોદમાં સારવાર હેઠળ છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં દીકરીઓની સુરક્ષા અને કૌટુંબિક સંબંધોની મર્યાદા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે.
