દાહોદ: ગામના રસ્તા પર પ્રેક્ટિસથી ગુજરાત રગ્બી ટીમના વાઈસ-કેપ્ટન સુધી... મનીષા કટારાની પ્રેરણાદાયી સફર

દાહોદની મનીષા કટારાએ ગુજરાત રગ્બી ટીમની વાઈસ કેપ્ટન તરીકે સ્થાન મેળવ્યું છે. જાણો મનીષાની પ્રેરણાદાયી સફર વિશે...

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 01 Aug 2026 11:39 AM (IST)Updated: Sat, 01 Aug 2026 11:39 AM (IST)
gujarat-rugby-team-vice-captain-manisha-katara-inspiring-story-dahod
Manisha Katara, Gujarat Rugby Player

Manisha Katara, Gujarat Rugby Team: દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું એક નાનકડું ગામ આગાવાડા આજે ગૌરવ અનુભવી રહ્યું છે. આ ગામની દીકરી મનીષા કટારા એ પોતાની મહેનત અને મક્કમ નિર્ધારથી ગુજરાત રાજ્યની રગ્બી ટીમમાં વાઇસ કેપ્ટન તરીકે સ્થાન મેળવી સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે.

શિક્ષકના દ્રઢ સંકલ્પથી બદલાયું જીવન

મનીષાની આ સફળતા પાછળ એક શિક્ષકનો મોટો ફાળો છે. આગાવાડાની હવેલી ફળિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી મનીષા સતત ગેરહાજર રહેતી હોવાથી તેના વાલીએ તેનું નામ શાળામાંથી કઢાવી નાખવાનો નિર્ણય લીધો હતો. જોકે, વર્ગશિક્ષક જનકસિંહ મોરીએ હાર માન્યા વિના વાલીનો સંપર્ક કર્યો અને મનીષાને ફરી શાળાએ લાવી તેની અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખી.

રસ્તા પર પ્રેક્ટિસ અને સંઘર્ષની ગાથા

મનીષાની સિદ્ધિ એટલે પણ વિશેષ છે કારણ કે તેના ગામમાં માધ્યમિક શાળાનું મકાન નથી અને રમતના મેદાનનો પણ અભાવ છે. આમ છતાં, મનીષા અને અન્ય વિદ્યાર્થીઓએ ગામના રોડ-રસ્તા અને શાળાના પટાંગણમાં જ રગ્બીની સખત પ્રેક્ટિસ કરી હતી. આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં, શિક્ષકો અને કોચના માર્ગદર્શન હેઠળ તેણે હાર ન માની.

રાષ્ટ્રીય સ્તરે પસંદગી અને સન્માન

ખેલ મહાકુંભમાં ગોળાફેંકથી રમતગમતની શરૂઆત કરનાર મનીષાએ ધોરણ 9 થી રગ્બી રમવાનું શરૂ કર્યું. તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી નેશનલ સ્પર્ધા માટે ગુજરાતની રગ્બી ટીમમાં તેની વાઇસ કેપ્ટન તરીકે પસંદગી થઈ.

મનીષાની અભૂતપૂર્વ સિદ્ધિ બદલ રાજ્યવ્યાપી પ્રવેશોત્સવ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મનીષાની આ સફરમાં શિક્ષક જનકસિંહ મોરી, કોચ રાહુલ કટારા અને પ્રિન્સિપાલ હર્ષદભાઈ બારિયાનો મહત્વનો સહયોગ રહ્યો છે.