દાહોદના કઠલા પાસે ભયાનક અકસ્માત, પિકઅપ સ્ટેન્ડમાં લક્ઝરી કાર ઘૂસી જતાં વેપારી પુત્ર સહિત બે લોકોના કમકમાટીભર્યા મોત

દાહોદના કઠલા ગામ પાસે શનિવારે મોડી રાત્રે બેકાબૂ XUV-700 કાર પિકઅપ બસ સ્ટેન્ડમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. વેપારી પુત્ર સહિત બેના મોત થયા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 19 Jul 2026 10:30 PM (IST)Updated: Sun, 19 Jul 2026 10:30 PM (IST)
horrific-accident-near-kathla-dahod-luxury-car-rams-into-pickup-stand-resulting-in-the-tragic-deaths-of-two-people-including-a-businessmans-son

Dahod: દાહોદ તાલુકાના કઠલા ગામ પાસે શનિવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક અને અત્યંત ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. એક પૂરપાટ ઝડપે જઈ રહેલી લક્ઝરી મહિન્દ્રા XUV-700 કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર રોડની બાજુમાં આવેલા પિકઅપ બસ સ્ટેન્ડમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં કાર ચલાવી રહેલા દાહોદના 25 વર્ષીય વણિક વેપારી પુત્રનું અને બસ સ્ટેન્ડની અંદર ઊંઘી રહેલા એક અજાણ્યા વ્યક્તિનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બસ સ્ટેન્ડમાં સૂતેલા શખ્સ પર ગાડી ફરી વળી

મળતી માહિતી અનુસાર, દાહોદ શહેરના ગોધરા રોડ પર આવેલી પુષ્ટિનગર સોસાયટીમાં રહેતા અંકિતભાઈ જયંતીલાલ ચોક્સીના 25 વર્ષીય પુત્ર ચાર્મીલભાઈ ચોક્સી શનિવારે રાત્રે પોતાના પિતાની કાળા રંગની મહિન્દ્રા XUV-700 કાર લઈને તેના મિત્ર રુદ્ર દરજી સાથે ફરવા નીકળ્યા હતા. મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કઠલા ગામ નજીક કારની સ્પીડ ખૂબ જ વધારે હોવાના કારણે ચાર્મીલભાઈએ કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર કઠલા ગામના પિકઅપ બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં રાત્રિના સમયે સૂતેલા એક અજાણ્યા શખ્સને કચડી નાખ્યો હતો.

naidunia_image

ફાયર બ્રિગેડે પતરાં કાપીને યુવકને બહાર કાઢ્યો

અકસ્માત એટલો જોરદાર હતો કે બસ સ્ટેન્ડની દિવાલ સાથે અથડાયા બાદ કારનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો અને ચાર્મીલભાઈ ગાડીના પતરાની અંદર જ બૂરી રીતે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કતવારા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ કટર વડે કારના પતરાં કાપીને લોહીલુહાણ હાલતમાં ચાર્મીલભાઈને બહાર કાઢ્યા હતા.

ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ચાર્મીલભાઈ ચોક્સી તેમજ અજાણ્યા વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રુદ્ર દરજીને તાત્કાલિક દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી છે.

naidunia_image

હોસ્પિટલ પરિસરમાં ગમગીન માહોલ

આ અકસ્માતના સમાચાર વાયુવેગે દાહોદ શહેરમાં પ્રસરતા જ રવિવારે સવારે મરણ જનાર ચાર્મીલભાઈના પરિવારજનો, વેપારી અગ્રણીઓ અને મિત્રવર્તુળ મોટી સંખ્યામાં ઝાયડસ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. એકના એક આશાસ્પદ યુવાન પુત્રના મોતના પગલે પરિવારજનોના હૈયાફાટ રુદનને કારણે હોસ્પિટલ પરિસરમાં અત્યંત ગમગીન અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર મામલે કતવારા પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધીને બંને મૃતકોના પીએમની પ્રક્રિયા હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.