Tiger in Gujarat: વિશ્વભરમાં એશિયાઈ સિંહોની ભૂમિ તરીકે ખ્યાતિ પામેલા ગુજરાતમાં હવે વાઘે પણ કાયમી નિવાસ બનાવ્યું છે. રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને આ ગૌરવપૂર્ણ તસવીરો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવન અભયારણ્યમાં છેલ્લા નવ મહિનાથી એક વાઘ વસવાટ કરી રહ્યો છે, જે રાજ્ય માટે એક ઐતિહાસિક ક્ષણ છે.
સિંહ, દીપડો અને વાઘ રહેતા હોય તેવું એકમાત્ર રાજ્ય
વન મંત્રી મોઢવાડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આ ઘટના સાથે જ ગુજરાત ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં મોટી બિલાડીઓની ત્રણ મુખ્ય પ્રજાતિઓ – સિંહ, દીપડો અને વાઘ – એકસાથે વસવાટ કરે છે. આ ઉપલબ્ધિ રાજ્યના સમૃદ્ધ વન્યજીવન અને સઘન સંરક્ષણ પ્રયાસોનું પ્રતીક છે.
મોઢવાડિયાએ આ સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વને આપતા જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ વાઘને અહીં સુરક્ષિત અને કાયમી ઘર સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધતાથી કાર્યરત છે."
एशियाई शेर की धरती गुजरात को अब बाघ ने अपना घर बनाया।
— Arjun Modhwadia (@arjunmodhwadia) November 18, 2025
गुजरात के दाहोद ज़िले के रतनमहाल वन्यजीवन अभ्यारण को बाघ ने 9 महीनों से अपना घर बनाया है।
गुजरात के लिए यह एक गौरवशाली क्षण है। अब गुजरात भारत का एसा राज्य बन गया है "जहाँ" बड़ी बिल्लियों की तीन प्रमुख प्रजातियाँ तेंदुआ और… pic.twitter.com/f2NRKKoyYE
રતનમહાલ અભયારણ્ય: વાઘ માટે આદર્શ નિવાસસ્થાન
દાહોદ જિલ્લામાં સ્થિત રતનમહાલ વન્યજીવન અભયારણ્ય તેની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને સમૃદ્ધ જૈવવિવિધતા માટે પ્રખ્યાત છે. પૂર્વીય ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં ફેલાયેલું આ અભયારણ્ય ગાઢ જંગલો, પૂરતા પાણીના સ્ત્રોતો અને શિકારની ઉપલબ્ધતાને કારણે વાઘ જેવા શિકારી પ્રાણીઓ માટે આદર્શ નિવાસસ્થાન પૂરું પાડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન સંરક્ષણ પ્રયાસોના પરિણામે અહીં વન્યજીવોનો વસવાટ વધ્યો છે, જેના ફળસ્વરૂપે હવે વાઘનું આગમન થયું છે.
