Dang: દિવાળી પૂર્વે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, જેને પગલે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓના રાજીનામાં પણ લઈ લેવામાં આવ્યા છે. જે બાદ આવતીકાલે નવા મંત્રીઓની શપથ વિધિ યોજાવાની છે. જો કે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. જેમાં બે દિગ્ગજ નેતાઓએ પાર્ટીને રામ-રામ કહીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતના સભ્ય દીપક પીંપળેએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. દીપક પીંપળેએ ડાંગ જિલ્લા ભાજપના પ્રમુખ કિશોર ગાવિતને પોતાનું લેખિત રાજીનામું સુપરત કર્યું છે.
રાજીનામું આપનાર દીપક પીંપળેએ ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનો દાવો કરતાં જણાવ્યું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને વધારે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ દીપક પીંપળે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હોવાની પુષ્ટિ થઈ છે.
દીપક પીંપળે સિવાય ડાંગ જિલ્લા ભાજપના દિગ્ગજ નેતા મંગળ ગાવિતે પણ પાર્ટીનો સાથ છોડ્યો છે. મંગળ ગાવિતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને 2020માં જ કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. જે બાદ પેટાચૂંટણી માટે મંગળ ગાવિતે ટિકિટ માંગી હતી, પરંતુ ભાજપે તેમની માગ પુરી ના કરતાં તેઓ નારાજ હોવાની ચર્ચાઓ ચાલતી હતી. આખરે ટૂંકાગાળામાં મોહભંગ થતાં મંગળ ગાવિતે પણ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે.
