Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના VIP દર્શન કરાવીને ભક્તો પાસેથી રૂપિયા પડાવતો બોગસ અધિકારી ઝડપાયો છે. આ મામલે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકાની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના DLSA વિભાગના અધિકારી ઉદયપાલસિંહ એચ. જાડેજાએ PLV તુલસીભાઈ નકુમ સામે તેઓ સરકારી કર્મચારી ન હોવા છતાં પણ અશોક સ્તંભ સાથેનું બનાવટી આઈડી કાર્ડ બનાવી અને દ્વારકાધીશ મંદિરમાં તેનો ખરા તરીકે ઉપયોગ કરીને ગુનો આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોતાની ફરિયાદમાં ઉદયપાલસિંહે જણાવ્યું કે, આરોપી તુલસીભાઈ નકુમ દ્વારા પોતે રાજ્ય સેવક ન હોવા છતાં ભારત સરકારના સત્તાવાર રાજ્ય પ્રતીક (અશોક સ્તંભ) છાપેલા બનાવટી આઈડી કાર્ડ બનાવ્યું હતુ. આ આઈકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી તુલસીભાઈ નકુમ દ્વારા દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં આવતા દર્શનાર્થીઓને VIP દર્શન કરાવીને તેના બદલામાં આર્થિક લાભ લેવામાં આવતો હતો.
આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે બી.એન.એસ.ની કલમ 204, 335, 336, 338 તથા 5 અને ધી સ્ટેટ એમ્બેલ ઓફ ઇન્ડિયા (પ્રોહિબિશન ઓફ ઇમ્પ્રોયર યુઝ) એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ કરવામાં આવી છે.
