Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ મથકમાં સાઉથ ફિલ્મ 'દ્રશ્યમ' સ્ટાઈલમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં દીકરી સાથે થયેલા છૂટાછેડાની અદાવત રાખીને પૂર્વ જમાઈએ પોતાના સાગરિતો સાથે મળીને સસરાને રહેંસી નાંખ્યા હતા. આટલું જ નહીં, પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને દરિયા કાંઠે રેતીમાં દાટી દીધો હતો.
2 દિવસ પહેલા માછીમારી કરવા ગયેલા આધેડ ગુમ થઈ ગયા હતા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આરંભડા ગામમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતાં ગોવિંદભાઈ મકવાણા (55) 12 જુલાઈના રોજ બાઈક પર માછીમારી કરવા માટે દરિયા કિનારે ગયા હતા. બીજા દિવસે ઘરે પરત ના ફરતાં પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી.
આ દરમિયાન દરિયા કાંઠેથી તેમની બાઈખ અને માછીમારીનો સામાન મળી આવ્યો હતો, પરંતુ ગોવિંદભાઈની કોઈ ભાળ ના મળતા પરિવારે મીઠાપુર પોલીસ મથકમાં ગુમ થવા અંગે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. જેમાં પરિવારની પૂછપરછમાં ગોવિંદભાઈના કોઈ સાથેના વેરભાવ કે અગાઉ મળેલી ધમકીઓ વિશે માહિતી મેળવી હતી. જેના આધારે પોલીસની શંકાની સોય પૂર્વ જમાઈ જય પરમાર તરફ વળી હતી. જેના આધારે પોલીસે જય પરમાર અને તેના મિત્રોની આકરી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓની કબૂલાતના આધારે પોલીસે રેતીમાં દાટેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પંચનામું કર્યું હતું.
પૂર્વ જમાઈએ લોખંડના કડાથી ઢોરમાર મારી દોરી વડે સસરાનું ગળું દબાવી દીધું
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ગોવિંદભાઈની મોટી દીકરી સંગીતના લગ્ન જય પરમાર સાથે થયા હતા. જો કે બે મહિના પૂર્વે સમાજના નીતિ-નિયમો મુજબ બન્નેના છૂટાછેડા થઈ ગયા હતા. આ બાબતનો ખાર રાખીને માઈ જય પરમારે જ સસરાને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયા હતો.
જમાઈ જય પરમાર પોતે પણ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી, સસરા ગોવિંદભાઈ કેટલા વાગ્યે અને ક્યા રસ્તે માછીમારી કરવા ક્યાં જાય છે, તે જાણતો હતો. જેના આધારે જય પરમારે પોતાના બે મિત્રોની મદદથી ગોવિદભાઈને પકડી તેમના પર લોખંડના કડાથી હુમલો કર્યો હતો. જે બાદ ઢોરમાર મારીને દોરી વડે ગોવિંદભાઈનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને દરિયા કિનારે રેતીમાં ઉંડો ખાડો ખોદીને દાટી દીધી હતી.
હાલ તો મૃતકના નાના ભાઈ અરવિંદ મકવાણાની ફરિયાદના આધારે મીઠાપુર પોલીસે પૂર્વ જમાઈ જય પરમાર (25) અને તેના મિત્રો રામા વાઘેલા (21) અને રમેશ પરમાર (57) વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
