Devbhumi Dwarka News: કતાર ગેસ બ્લાસ્ટમાં ખંભાળિયાના આશાસ્પદ યુવાનનું મોત, પરિવારમાં શોકનો માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના હાપીવાળી વિસ્તારમાં રહેતા અને રોજીરોટી કમાવવા માટે વિદેશ ગયેલા એક આશાસ્પદ યુવાનનું કતારમાં સર્જાયેલી એક ભયાનક દુર્ઘટનામાં મોત નિપજ્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 25 Jun 2026 02:55 PM (IST)Updated: Thu, 25 Jun 2026 02:55 PM (IST)
devbhumi-dwarka-news-gujarati-youth-killed-in-tragic-lng-plant-blast-in-qatar

Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના હાપીવાળી વિસ્તારમાં રહેતા અને રોજીરોટી કમાવવા માટે વિદેશ ગયેલા એક આશાસ્પદ યુવાનનું કતારમાં સર્જાયેલી એક ભયાનક દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. કતારના એક LNG પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં 31 વર્ષીય કિરીટ જેન્તીભાઈ કણજારિયાનું કમકમાટીભર્યું મૃત્યુ થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.

ગેસ પ્લાન્ટ બ્લાસ્ટમાં યુવકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર, ખંભાળિયાના હાપીવાળી વિસ્તારના વતની કિરીટભાઈ જેન્તીભાઇ કણજારિયા (ઉ.વ. 31) પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે રોજગારી અર્થે કતાર ખાતે ગયા હતા. જ્યાં તેઓ એક LNG પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા. કામગીરી દરમિયાન આ પ્લાન્ટમાં અચાનક કોઈ કારણોસર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ જીવલેણ દુર્ઘટનામાં કિરીટભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

પરિવારમાં શોકનો માહોલ ફેલાયો

સાત સમંદર પાર યુવાન દીકરાના મોતના સમાચાર ખંભાળિયા સ્થિત તેમના ઘરે પહોંચતા જ પરિવારજનોના હૈયાફાટ રુદન અને આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. LNG પ્લાન્ટમાં બનેલી આ ભયાનક દુર્ઘટનાએ એક હસતા-રમતા પરિવારના તમામ સપનાઓ એક જ પળમાં તોડી નાખ્યા છે. યુવકના અકાળે અને દુઃખદ અવસાનથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર હાપીવાળી વિસ્તાર અને ખંભાળિયા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.