Dwarka Rath Yatra 2026: વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકાના જગત મંદિર ખાતે અષાઢી બીજના પવિત્ર પર્વની ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે સેંકડો ભાવિકોની ઉપસ્થિતિમાં મંદિરમાં વિશેષ રથયાત્રા ઉત્સવ યોજાયો હતો, જેમાં ઠાકોરજીના બાલસ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, અષાઢી બીજના દિને બાળ દ્વારકાધીશને અત્યંત આકર્ષક એવા ચાંદીના દિવ્ય રથ (પાલખી)માં બિરાજમાન કરવામાં આવ્યા હતા. શરણાઈના મધુર સૂર અને બેન્ડવાજાના નાદ સાથે જ્યારે રથયાત્રા શરૂ થઈ ત્યારે મંદિરમાં ઉપસ્થિત સેંકડો ભક્તો ભાવવિભોર બની ગયા હતા અને વાતાવરણ 'જય રણછોડ, માખણચોર'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
Junagadh: ધારા કડીવાર હત્યા કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સૂરજ ભુવાજી સહિત 5 આરોપીઓને આજીવન કેદ
દરેક પરિક્રમા બાદ ભોગ અને મહાઆરતીનું આયોજન
જગત મંદિરના વિશાળ પટાંગણમાં જ બાળ દ્વારકાધીશના રથને ફેરવવામાં આવ્યો હતો. મંદિરમાં પ્રભુની કુલ 4 પરિક્રમા કરાવવામાં આવી હતી. ધાર્મિક પરંપરા મુજબ, આ ચારેય પરિક્રમામાં પ્રત્યેક પરિક્રમા પૂર્ણ થયા બાદ ભગવાનને વિવિધ ભોગ સામગ્રી અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ વિશેષ મહા આરતી ઉતારવામાં આવી હતી.
આ અલૌકિક પ્રસંગે મંદિરના પૂજારી પરિવાર તેમજ દૂર-દૂરથી દર્શનાર્થે આવેલા ભાવિકોએ જાતે જ ભગવાનનો ચાંદીનો રથ ખેંચીને પોતાની અનોખી ભક્તિ પ્રદર્શિત કરી હતી. મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હોવાથી અને રથયાત્રા ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
