Dwarkadhish Temple, Gau-Vedna Sankalp Padyatra: ગૌમાતા પ્રત્યે આદર અને તેમની સુરક્ષા માટે ગુજરાતમાં એક પ્રેરણાદાયક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઠીદડ ગામથી શરૂ થયેલી 'ગૌવેદના સંકલ્પ પદયાત્રા' દ્વારકાધીશ જગતમંદિરે અત્યંત ભાવવિભોર વાતાવરણમાં પહોંચી હતી. આ પદયાત્રામાં 21 ગૌમાતાએ ભાગ લીધો અને દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
પદયાત્રા કરી દ્વારકા પહોંચી 21 ગૌમાતા
નિરાધારનો આધાર યુવા મંડળ દ્વારા આયોજીત ગૌવેદના સંકલ્પ પદયાત્રા અંતર્ગત 21 ગૌમાતા લાઠીદડથી યાત્રા કરીને દ્વારકાધીશ જગતમંદિરે પહોંચી હતી. મંદિરની વહીવટદાર સમિતિના સભ્યો દ્વારા પદયાત્રીઓ અને સાથે આવેલી 21 ગૌમાતાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
દ્વારકાધીશ મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરાઈ
સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે, ગૌમાતાઓ પણ શ્રદ્ધાપૂર્વક ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે મંદિર પ્રશાસન દ્વારા અત્યંત વિશેષ અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ગૌમાતાના સરળ પ્રવેશ અને દર્શનની આ સુંદર વ્યવસ્થાએ ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ગૌમાતાએ કર્યા કાળીયા ઠાકોરજીના દર્શન
આ પદયાત્રામાં જોડાયેલા તમામ ગૌપ્રેમીઓએ મંદિર પ્રશાસનના આ સહયોગ અને તેમની સંવેદનશીલ વ્યવસ્થાની હૃદયપૂર્વક ખૂબ પ્રશંસા કરી હતી. ગૌમાતાઓએ મંદિરમાં પ્રવેશ કરી ભગવાનના દર્શન કર્યા તે દ્રશ્ય ખરેખર ભાવુક અને ભક્તિમય હતું. ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવેલી આ 21 ગૌમાતાનો આ વીડિયો હાલ ભારે વાયરલ થઈ રહ્યા છે.
ગૌવંશ સંરક્ષણ અને જાગૃતિનો પવિત્ર ઉદ્દેશ્ય
આ અનોખી પદયાત્રાનો મુખ્ય હેતુ ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને સન્માન માટે સમાજમાં વ્યાપક જનજાગૃતિ લાવવાનો હતો. ગત 16 જૂનના રોજ લાઠીદડથી પ્રારંભ થયેલી આ યાત્રા દરમિયાન યાત્રિકોએ 21 ગૌમાતાઓ સાથે સતત પગપાળા પ્રવાસ કર્યો. માર્ગમાં આવતા અનેક ગામો અને શહેરોમાં આ યાત્રાએ ગૌસેવા, જીવદયા અને માનવતાનો સંદેશ પહોંચાડ્યો. તેમજ ગૌમાતા પ્રત્યે વધતી નિરાધારતા અને અત્યાચાર અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
'ગૌવેદના સંકલ્પ પદયાત્રા': સ્વાગત અને સમર્થન
આ સમગ્ર અભિયાનનું આયોજન 'નિરાધારનો આધાર યુવા મંડળ' ના સંચાલક સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. યાત્રા જે પણ સ્થળે પહોંચતી ત્યાં ગ્રામજનો, ગૌપ્રેમીઓ, સામાજિક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવતું હતું અને ગૌરક્ષણના આ સંકલ્પને વ્યાપક સમર્થન મળ્યું હતું.
