Groundnut Crop: પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે. એકલા પોરબંદર જિલ્લામાં અંદાજે 80 હજાર હેક્ટરમાં વાવેલી મગફળીને નુકસાન પહોંચ્યું છે. આ પાકનું ઉત્પાદન અંદાજે 100 થી 200 ટન થવાની સંભાવના હતી, જેની કિંમત ₹150 થી 200 કરોડ થવા જઈ રહી હતી.
મગફળીના પાકને નુકસાન થયું
સૌરાષ્ટ્રના મોટા ભાગના જીલ્લાઓમાં મગફળીનો પાક હાલમાં જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અથવા સૂકવવાની પ્રક્રિયામાં છે, ત્યારે આ અચાનક વરસાદે ખેડૂતોની આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે. ગુણવત્તા બગડવાથી મગફળીના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹3,100 થી ₹3,200 સુધી ગગડી શકે છે. ખેડૂતોને ડર છે કે જો વરસાદની અસરને કારણે મગફળીની ગુણવત્તા બગડશે, તો તેમને ટેકાના ભાવ પણ નહીં મળે.
સ્ટોરેજમાં રહેલા 1.13 લાખ ટન સોયાબીન પાકને જોખમ
ગુજરાતમાં માત્ર મગફળી જ નહીં, પરંતુ અન્ય પાકને પણ આ વરસાદના કારણે નુકસાન થયું છે. ગુજરાતમાં આ વર્ષે અંદાજે 1.13 લાખ હેક્ટર વિસ્તારમાં સોયાબીનનું વાવેતર થયું હતું. નિષ્ણાતોના મતે, ખેડૂતોએ કાપણી કરીને ખુલ્લામાં રાખેલા આ સોયાબીનના પાકને વરસાદને કારણે નુકસાન થવાની સંભાવના છે.
સરકાર પાસે વળતરની માગણી
ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરીને નુકસાનનું વળતર આપવાની માગ કરી છે. બીજી તરફ, હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હજુ આગામી બે દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જેને પગલે ખેડૂતોએ પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની અપીલ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે પણ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેનાથી ખેતરો પાણીથી ભરાઈ ગયા છે અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે.
