પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કહ્યું-'વીજ લાઈન વળતરમાં ખેડૂતો સાથે અન્યાય'; પડધરીમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસમાં જોડાશે

પડધરી તાલુકાના ખેડૂતોના ત્રણ દિવસ પ્રતિક ઉપવાસને સમર્થન આપવા પાલ આંબલિયા 19 જુલાઈએ પહોંચશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 17 Jul 2026 12:42 PM (IST)Updated: Fri, 17 Jul 2026 12:42 PM (IST)
palbhai-ambaliya-letter-to-cm-over-electricity-line-compensation-circular-gujarat-farmers-protest
Pal Ambaliya

Gujarat Farmers Protest, Pal Ambaliya: દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ રાજ્ય સરકાર દ્વારા 4 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલ નવા પરિપત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સાથે જ મુખ્યમંત્રીને ઉદ્દેશીને એક પત્ર લખતા તેમણે આક્ષેપ કર્યો કે, સરકાર ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાને બદલે વીજ કંપનીઓને ફાયદો કરાવી રહી છે. તેમણે આ નવા પરિપત્રને ખેડૂતોને 'મૂર્ખ' બનાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.

વળતરના દરમાં મોટા તફાવતનો દાવો

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં પાલભાઈએ સ્પષ્ટ જણાવ્યું કે, વર્ષ 2013 ના જમીન સંપાદન કાયદા હેઠળ બજાર ભાવના 4 ગણાવળતરની જોગવાઈ હોવા છતાં, સરકાર માત્ર 2 ગણું જ વળતર આપી રહી છે. ખેડૂત સંગઠનોએ અગાઉ માંગ કરી હતી કે તેમને પોલ દીઠ 50,000 રૂપિયા માસિક ભાડું આપવામાં આવે અથવા એક સાથે 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. જોકે, સરકારે ખેડૂતોની આ વ્યાજબી માંગણી પર ધ્યાન આપ્યા વગર જ માત્ર કંપનીઓના હિતમાં પરિપત્ર જાહેર કરી દીધો છે.


વીજ અકસ્માતમાં 15 કરોડના વીમા કવચની માંગ

પાલભાઈ આંબલિયાએ ખેડૂતો અને મજૂરોની સુરક્ષાના મુદ્દા ઉઠાવતા માંગ કરી કે, વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ કે થાંભલા પડવા જેવી ઘટનામાં જો કોઈનું મૃત્યુ થાય અથવા કાયમી ખોડ-ખાપણ આવે, તો તે પરિવારને ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ. તેમજ પાક નુકસાનીના કિસ્સામાં 10 લાખ રૂપિયાની તાત્કાલિક સહાયની જોગવાઈ હોવી જોઈએ. આ તમામ વીમાનું સંપૂર્ણ પ્રીમિયમ વીજ કંપનીએ જ ભરવું જોઈએ.

ભચાઉમાં ખેડૂતોને પ્રક્રિયામાંથી બાકાત રાખવા ષડયંત્ર

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ભચાઉના નાયબ કલેક્ટરના 10/7/2026 ના એક પત્રનો ઉલ્લેખ કરતા પાલભાઈએ જણાવ્યું છે કે, 28 ગામોની માર્કેટ રેટ કમિટીમાં અસરગ્રસ્ત ખેડૂતોને બોલાવવાના બદલે માત્ર સરપંચોને જ બોલાવવામાં આવ્યા છે. તેમણે આ ઘટનાને ખેડૂતો વિરુદ્ધનું એક ષડયંત્ર ગણાવીને માંગ કરી છે કે દરેક ખેડૂતના ખેતરની અલગ કિંમત મુજબ જ મૂલ્યાંકન થવું જોઈએ.

19 જુલાઈએ પડધરીમાં ખેડૂતો સાથે પ્રતિક ઉપવાસ

અંતમાં તેમણે સરકારને ચીમકી આપી છે કે જો ખેડૂત વિરોધી જોગવાઈઓમાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં લડત વધુ તેજ બનાવવામાં આવશે. વધુમાં, પડધરીમાં ચાલી રહેલા ખેડૂતોના ત્રણ દિવસના પ્રતિક ઉપવાસને સમર્થન આપતા પાલભાઈએ 19 જુલાઈએ પડધરી આવવા અંગેની જાહેરાત કરી છે.