President Draupadi Murmu Dwarkadhish Visit: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજ રોજ દ્વારકાની મુલાકાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને આ દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રાષ્ટ્રપતિએ ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન કરીને પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ ધાર્મિક મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભગવાન શ્રીદ્વારકાધીશ સમક્ષ ભારતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. આ પવિત્ર ક્ષણોમાં રાષ્ટ્રપતિ સાથે તેમના દીકરી મુર્મૂ અને અન્ય મહાનુભાવો પણ જોડાયાં હતાં.

દ્વારકાધીશ મંદિર ખાતે રાષ્ટ્રપતિના આગમન સમયે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત કરનારા મહાનુભાવોમાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે, અને વહીવટદાર તથા નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
આ તમામ મહાનુભાવોએ રાષ્ટ્રપતિનું સ્વાગત કરતાં તેમને વિવિધ ભેટો અર્પણ કરી હતી. આ ઉપહારમાં ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, અને ફૂલનો સમાવેશ થતો હતો. આ સાથે જ, રાષ્ટ્રપતિને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબત્તી, ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની તેમની અતુટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ મુલાકાત રાજ્યના ધાર્મિક અને રાજકીય વર્તુળો માટે મહત્વની રહી હતી, જેમાં રાષ્ટ્રપતિએ આધ્યાત્મિક અનુભવની સાથે દેશની જનતા માટે પ્રાર્થના કરીને ધન્યતા અનુભવી.
