Gandhinagar: છત્રાલ GIDCમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, પોલીસ રેડમાં 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર રેન્જ IG ની ટીમે છત્રાલ GIDCમાં દરોડો પાડી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 06 Aug 2026 07:59 AM (IST)Updated: Thu, 06 Aug 2026 07:59 AM (IST)
chhatral-gidc-fake-ghee-factory-raid-gandhinagar-police
Chhatral GIDC Fake Ghee Factory

Gandhinagar Crime News: કલોલ તાલુકામાં છત્રાલના GIDC વિસ્તારમાં ચાલતા નકલી ઘીના મોટા કૌભાંડનો ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે પર્દાફાશ કર્યો છે. યોગેશ્વર એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીમાં દરોડો પાડીને પોલીસે રૂ. 1.67 કરોડથી વધુની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

માસિક 30 હજાર કિલો નકલી ઘીનું વેચાણ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છત્રાલ GIDCમાં આવેલી હેપ્પી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાંથી દર મહિને આશરે 30,000 કિલો જેટલું નકલી ઘી બનાવવામાં આવતું હતું. આ નકલી જથ્થો વિવિધ વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો, જેઓ તેના પર પોતાની બ્રાન્ડના લેબલ લગાવીને બજારમાં અસલી ઘી તરીકે વેચતા હતા.

બાતમીના આધારે રેન્જ IG ટીમના દરોડા

ગાંધીનગર રેન્જ IG ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે યોગેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોડાઉન નંબર D-49 અને D-36માં નકલી ઘી બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડો પાડવામાં આવતા ત્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પ્રવાહી અને ઘીના ડબ્બા મળી આવ્યા હતા.

પોલીસ ટીમે જપ્ત કરેલા કુલ રૂ. 1,67,37,990 મુદ્દામાલમાં રૂ. 39,96,750 કિંમતના 1,825 નંગ કાર્ડબોર્ડ બોક્સ, રૂ. 7,68,900 કિંમતના 220 નંગ પતરાના ડબ્બા, રૂ. 78,75,400 કિંમતના 233 નંગ બેરલ, રૂ. 40,96,640 કિંમતનું ચીકણું પ્રવાહી સહિતનો સમાવેશ થાય છે.

ગોડાઉન સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી

આ ઘટનાની ગંભીરતાને જોતા તુરંત જ ગાંધીનગરના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને સાયન્ટિફિક ઓફિસરને સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ શંકાસ્પદ જથ્થાના નમૂના લઈ તપાસ અર્થે મોકલી આપ્યા અને સમગ્ર જથ્થો સીઝ કર્યો છે. પોલીસે આ મામલે અમદાવાદના ચાંદલોડિયામાં રહેતા ગોડાઉન સંચાલક જનકુકુમાર નાથાલાલ લીલાચંદ ભાવસાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.