ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રીય-રાજ્ય પર્વોનું આયોજન કરતા જિલ્લાઓ માટે વિકાસ ગ્રાન્ટ બમણી કરી, હવે ₹15 કરોડ સુધીની સહાય મળશે

ગુજરાત સરકારે ગાંધીનગર બહાર રાષ્ટ્રીય પર્વો અને રાજ્ય સ્થાપના દિવસ ઉજવતા આયોજક જિલ્લાઓ માટે વિકાસ ગ્રાન્ટ બમણી કરીને ₹10 થી ₹15 કરોડ સુધી કરી છે. ચાલુ વર્ષે અમરેલી જિલ્લાને મળશે ₹10 કરોડની ગ્રાન્ટ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 07 Aug 2026 06:31 PM (IST)Updated: Fri, 07 Aug 2026 06:31 PM (IST)
development-grants-doubled-for-districts-organizing-national-and-statelevel-festivals-assistance-of-up-to-15-crore-will-now-be-available

Gujarat Govt Decision: ગુજરાત સરકારે રાષ્ટ્રભક્તિ અને વિકાસને એકસાથે જોડીને આગળ ધપાવવાની પોતાની વિશિષ્ટ પરંપરાને વધુ મજબૂત બનાવી છે. પાટનગર ગાંધીનગરની બહાર યોજાતા રાષ્ટ્રીય પર્વો તેમજ 'ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ'ના પ્રસંગે યજમાન જિલ્લાને મળતી ખાસ વિકાસ ગ્રાન્ટની રકમમાં સીધો બમણો વધારો કરવામાં આવ્યો છે.

હવેથી જે પણ જિલ્લામાં રાજ્યકક્ષાના રાષ્ટ્રીય ઉત્સવ કે સ્થાપના દિવસનું આયોજન થશે, ત્યાં ગ્રામ્ય, શહેરી અને મહાનગરપાલિકા વિસ્તારોના સુચારુ વિકાસ માટે નવી જોગવાઈ મુજબ રૂ. 10 કરોડથી લઈને રૂ. 15 કરોડ સુધીની સ્પેશિયલ ગ્રાન્ટ આપવામાં આવશે.

2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી આ ઉત્સવ-વિકાસ પરંપરાની શરૂઆત

વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્ય દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પાટનગર ગાંધીનગરથી બહાર લઈ જઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજવાની નવી પરંપરા શરૂ કરી હતી. 15 ઓગસ્ટ, 2003ના રોજ પ્રથમ વખત ગાંધીનગર બહાર પાટણ જિલ્લામાં રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો હતો.

આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ઉત્સવ ઉજવવાનો નહોતો, પરંતુ જે પણ જિલ્લાને યજમાની મળે ત્યાં સ્થાનિક માળખાકીય સુવિધાઓ અને વિકાસ કાર્યોને નવી ગતિ આપવાનો હતો. સમય જતાં આ નવતર પ્રયોગ ગુજરાતના આગવા વહીવટી અને વિકાસ મોડેલનું પ્રતીક બની ગયો.

ગ્રાન્ટ 2.50 કરોડથી વધારીને કરી રૂ. 5 કરોડ: GADનો ઠરાવ જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા નેતૃત્વ હેઠળના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 6 ઓગસ્ટ, 2026ના રોજ એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરીને આ ગ્રાન્ટ બમણી કરવાનો નિર્ણય લેવાયો છે.

નવી જોગવાઈઓ મુજબ-

ગ્રામ્ય વિસ્તાર: જિલ્લાના ગ્રામીણ વિકાસ માટે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને અગાઉના રૂ. 2.50 કરોડના બદલે હવે રૂ. 5 કરોડ ફાળવાશે.

શહેરી વિસ્તાર (નગરપાલિકા): જિલ્લામાં આવેલી નગરપાલિકાઓના વિકાસ માટે જિલ્લા કલેક્ટરને રૂ. 5 કરોડ સોંપાશે.

મહાનગરપાલિકા વિસ્તાર: આયોજન સ્થળ જો મહાનગરપાલિકા હેઠળ આવતું હોય તો ત્યાં મ્યુનિસિપલ કમિશનરને રૂ. 5 કરોડની વિકાસ અનુદાન રકમ મળશે.

આમ, ત્રણેય વિભાગો મળીને આયોજક જિલ્લાને કુલ રૂ. 15 કરોડ સુધીની રકમ ઉપલબ્ધ બનશે.

અમરેલી જિલ્લાને આ વર્ષે મળશે ₹10 કરોડનો વિકાસ ફંડ

સરકારી નિયમ મુજબ જે જિલ્લામાં મહાનગરપાલિકાનો વિસ્તાર સમાવિષ્ટ ન હોય, ત્યાં આ વિકાસ ગ્રાન્ટ રૂ. 10 કરોડ રહેશે.

ઉદાહરણ તરીકે, ચાલુ વર્ષે 15 ઓગસ્ટ, 2026ના રોજ રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ અમરેલી ખાતે યોજાનાર છે. અમરેલીમાં મહાનગરપાલિકા ન હોવાથી જિલ્લાને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 5 કરોડ અને નગરપાલિકા વિસ્તારો માટે રૂ. 5 કરોડ મળીને કુલ રૂ.10 કરોડની ફાળવણી કરવામાં આવશે.

રાષ્ટ્રીય પર્વ હવે બનશે સ્થાનિક વિકાસનો મહોત્સવ

ગુજરાત સરકારનો આ નિર્ણય રાષ્ટ્રીય ઉત્સવોને માત્ર એક ઔપચારિક કાર્યક્રમ રાખવાના બદલે જનભાગીદારી અને સ્થાનિક વિકાસના માધ્યમ તરીકે સ્થાપિત કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલો આ ફેંસલો છેવાડાના વિસ્તારો સુધી સુવિધાઓ પહોંચાડવાના વડાપ્રધાનના વિઝનને વધુ સુદ્રઢ બનાવશે.