Gandhinagar News:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વન વિભાગની બે દિવસીય ચિંતન શિબિરના સમાપન અવસરે જણાવ્યુ કે, ગુડ ગવર્નન્સ માટે સતત ચિંતન કરવું અત્યંત જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીના માધ્યમથી ગુડ ગવર્નન્સની એક નવી દિશા આપી છે. તેમણે ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી નાગરિકોને સરળ અને ઝડપી સેવા દ્વારા સુશાસનનો માર્ગ દર્શાવ્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
વડાપ્રધાનના ‘બેક ટુ બેઝિક, બેક ટુ નેચર અને મિશન લાઈફ’ના મંત્રનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જીવનશૈલીમાં પર્યાવરણને મુખ્ય સ્થાન આપીને જીવનશૈલી પર્યાવરણલક્ષી લાઈફ સ્ટાઈલની આવશ્યકતા સમજાવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે,ગ્રીન કવર વધારીને જ ગ્લોબલ વોર્મિંગની વિનાશક અસરોમાંથી પોતાને અને આવનારી પેઢીઓને બચાવી શકાશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, પર્યાવરણ સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાનોની શરૂઆત કરાવી છે. આવા પર્યાવરણલક્ષી અભિયાનોના સકારાત્મક પરિણામોથી છેલ્લા 12 વર્ષમાં રાજ્યમાં વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યામાં 47 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
મુખ્યમંત્રીએ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા બંઝર જમીનમાં વધુને વધુ વૃક્ષો વાવીને રાજ્યને હરિયાળું બનાવવા પણ આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના અવિરત પ્રયાસો અને દિશાદર્શનના કારણે નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ આવી છે. વૃક્ષારોપણ, પાણી સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના કાર્યોમાં જનભાગીદારી વધી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકસિત ભારતના સંકલ્પમાં વન વિભાગના પ્રયાસથી પર્યાવરણ સુરક્ષા સાથે ગુજરાત અગ્રેસર બનીને લીડ લેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં સૌ પ્રથમ વન વિભાગની ચિંતન શિબિર યોજાઈ હતી ત્યારબાદ આ બીજી ચિંતન શિબિર છે. આ બે દિવસીય ચિંતન શિબિરમાં વન વિભાગ અધિકારીઓમાં સમાયેલી કાર્ય શક્તિ અને આગવી ટેલેન્ટ જોવા મળી છે. આ ચિંતન શિબિરમાં વન વિભાગના વિકાસ માટે જે ચિંતન અને મંથન થયું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ વધારીશું.
મંત્રી મોઢવાડિયાએ કહ્યું કે,વન વિભાગ અધિકારીઓએ વનની જમીન માલિકીપણાના ભાવે સાથે સાચવી રાખી છે જે વનના વિકાસ માટે જરૂરી છે. સૌથી વધુ દરિયા કિનારો ધરાવતા ગુજરાતે ઉદ્યોગોના વિકાસની વચ્ચે દરિયા કિનારે મેન્ગ્રુવના જંગલોમાં પણ વધારો કર્યો છે.
ગુજરાતમાં નર્સરી કલ્ચરને પ્રાધાન્ય આપીને ગ્રીન કવર વધારવા માટે મુખ્યમંત્રી માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં 8 થી 10 હાઇટેક નર્સરી તૈયાર કરવાનું આયોજન છે. જેમાં એગ્રો,હોર્ટિકલ્ચર અને વન વિભાગ એમ ત્રણ પ્રકારે મોટા છોડ સાથેની નર્સરી તૈયાર કરવામાં આવશે જેથી વૃક્ષ જીવંત રહેવાનું પ્રમાણ વધી જશે. આ ઉપરાંત ગુજરાતમાં ઇકો ટુરીઝમની અપાર સંભાવનાઓ છે જેને વધુ બળ આપવામાં આવશે. આવનારા સમયમાં ભાવી પેઢી માટે ગુજરાતમાં વધુને વધુ ગ્રીન કવર તૈયાર કરીને વડાપ્રધાનના 'વિકસિત ગુજરાતથી, વિકસિત ભારત' 2047ના સંકલ્પને સાકાર કરવા મંત્રીએ અધિકારીઓની આહ્વાન કર્યું હતું.
મુખ્ય સચિવ મનોજકુમાર દાસે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ‘ચિંતન શિબિર'ના આજે રાજ્યને સફળ પરિણામો મળી રહ્યાં છે. આવી ચિંતન શિબિરના આયોજનથી નીતિ નિર્ધારકો અને જમીની સ્તરે પર કામ કરતા વહીવટી તંત્ર વચ્ચે સીધો સંવાદ શક્ય બન્યો છે.
