2030 Commonwealth Games Flag: ગ્લાસગો CWGનું સમાપન થતાં કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ આગામી 2030માં CWGના યજમાન રાજ્ય તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી ગુજરાત આવી પહોંચ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ફ્લેગ વિધિવત અર્પણ કર્યો છે. આ સાથે જ ગુજરાતમાં આગામી 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ-CWG રમતોત્સવની ઔપચારિક તૈયારીઓની શરૂઆત થઇ છે.
આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ 39 મેડલ્સ મેળવીને રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું છે. ભારતને મળેલા મેડલ્સમાં ઈન્ડિયન પેરાએથલિટ્સે પણ 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલની સિદ્ધિ હાંસલ કરી છે અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પેરાએથલિટ્સના ઉત્કૃષ્ટ પદાર્પણની ઐતિહાસિક સિદ્ધિ મળતા CWGમાં ભારતીય પેરાએથ્લેટિક્સ પોડિયમની 20 વર્ષની આતુરતાનો અંત આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળ ગ્લાસગોથી ગાંધીનગર આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ નાયબ મુખ્યમંત્રીશ્રીએ સંપૂર્ણ ગૌરવ સન્માન સાથે વિધિવત અર્પણ કર્યો હતો.
આ અવસરે ગ્લાસગો ખાતે આયોજિત કોમનબેલ્થ ગેમ્સ 2026માં પ્રતિનિધિત્વ કરનારા પેરા ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ ઉપસ્થિત રહ્યા હતા. પેરા ટેબલ ટેનીસ ખેલાડી સોનલ પટેલ પણ આ વેળાએ જોડાયા હતા.
હવે CWG ફ્લેગ આગામી 2030ના CWG સુધી ગુજરાતમાં રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને સાકાર કરવા સાથે CWGની પૂર્વ તૈયારીઓ અને ખેલાડીઓ માટે પ્રેરણાપુંજ બનશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ CWG ફ્લેગ અર્પણ કર્યો તેને સમગ્ર મંત્રીમંડળે હર્ષોલ્લાસથી વધાવ્યો હતો. મુખ્ય સચિવ એમ. કે. દાસ, અગ્ર સચિવ અશ્વિની કુમાર અને એમ. થેન્નારસન તથા સચિવ રાહુલ ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવિ યજમાન દેશને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ કેમ આપવામાં આવે છે?
કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં વર્તમાન યજમાન દેશ દ્વારા કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ આગામી યજમાન દેશને સોંપવાની પરંપરાનું વિશેષ મહત્વ છે.
યજમાનીના અધિકાર અને જવાબદારીનું પ્રતીક: ધ્વજનું હસ્તાંતરણ આગામી યજમાન દેશને ગેમ્સના આયોજનની જવાબદારી સોંપવાનું પ્રતીક છે.
પરંપરાની અવિરતતા: તે દર્શાવે છે કે કોમનવેલ્થ ગેમ્સની ગૌરવશાળી પરંપરા એક યજમાનથી બીજા યજમાન સુધી સતત આગળ વધી રહી છે.
એકતા અને મિત્રતાનો સંદેશ: આ હસ્તાંતરણ કોમનવેલ્થ દેશો વચ્ચેના વિશ્વાસ, સહકાર, મિત્રતા અને રમતગમતની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
આગામી ગેમ્સની ઔપચારિક શરૂઆત: ધ્વજ પ્રાપ્ત થતાં જ આગામી યજમાન દેશ માટે ગેમ્સની તૈયારીઓનો ઔપચારિક પ્રારંભ માનવામાં આવે છે.
રમતગમતના મૂલ્યોનું વહન: ધ્વજ સાથે નિષ્પક્ષ રમત, શ્રેષ્ઠતા, પરસ્પર સન્માન અને વૈશ્વિક ભાઈચારાના મૂલ્યો આગામી યજમાન સુધી પહોંચે છે.
આમ, આ કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ આગામી યજમાન દેશને આપવાનો હેતુ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ ગેમ્સની યજમાની, જવાબદારી, પરંપરા, એકતા અને રમતગમતના ઉચ્ચ આદર્શોના વારસાનું ગૌરવપૂર્ણ હસ્તાંતરણ કરવાનો છે.
CWG ધ્વજ શું છે?
કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ કોમનવેલ્થ દેશો વચ્ચેની એકતા, મિત્રતા, સમાનતા અને રમતગમતની ભાવનાનું પ્રતીક છે. આ ધ્વજ ખેલાડીઓને રમત દ્વારા વિશ્વબંધુત્વ, પરસ્પર સન્માન અને શાંતિનો સંદેશ આપે છે. યજમાન શહેરમાં ધ્વજનું આગમન ગેમ્સની તૈયારીઓ અને ઉત્સાહનું પ્રતીક માનવામાં આવે છે.
આ ફ્લેગ કોમનવેલ્થ પરિવારના દેશો વચ્ચે એકતા, શાંતિ, મિત્રતા, સહકાર અને રમતગમતની ઉચ્ચ ભાવનાનું જીવંત પ્રતીક છે અને “Sport Unites Us All”ના સંદેશને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડે છે.
