Gandhinagar: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના પંચાયત વિભાગમાં વર્ગ-3ની ખાલી જગ્યાઓ ભરવા માટેના ખાસ ભરતી બહાર પાડવામાં આવી છે. જીપીએસએસબી દ્વારા અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ), વર્ગ-3ની કુલ 200 જગ્યાઓ પર સીધી ભરતી માટે સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવી છે.
અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો:
લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ OJAS (Online Job Application System) પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
- અંતિમ તારીખ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 02 મે, 2026 નક્કી કરવામાં આવી છે.
- ફી ભરવાની વિગત: સામાન્ય વર્ગ (General Category) ના ઉમેદવારોએ નિર્ધારિત પરીક્ષા ફી પણ 2 મે સુધીમાં જમા કરાવવાની રહેશે.
સ્વાયત્ત સંસ્થા હોવાથી પ્રક્રિયા અટકશે નહીં
વર્તમાન સમયમાં જો આચાર સંહિતા લાગુ હોય, તો પણ આ ભરતી પ્રક્રિયાને તેની અસર થશે નહીં. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એક સ્વાયત્ત સંસ્થા હોવાથી તેને આ કામગીરી માટે કોઈ વિશેષ મંજૂરીની જરૂર રહેતી નથી. જોકે, મંડળે સ્પષ્ટતા કરી છે કે જરૂરિયાત મુજબ જગ્યાઓની સંખ્યામાં ભવિષ્યમાં ફેરફાર થઈ શકે છે.
સીધી ભરતીથી પસંદગી
આ ભરતી પ્રક્રિયા દ્વારા મેરિટ અને સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે સીધી પસંદગી કરવામાં આવશે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમા ધરાવતા યુવાનો માટે પંચાયત વિભાગમાં જોડાવાની આ એક શ્રેષ્ઠ તક છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે છેલ્લી ઘડીના ટ્રાફિકથી બચવા માટે વહેલી તકે ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લેવું.
