Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના દંપતી સહિત ચાર વ્યક્તિ સાથે માનવ તસ્કરી અને ખંડણીનો ગંભીર બનાવ ગત ઓક્ટોબરમાં સામે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા જવાની લાલચ આપીને દિલ્હીના એક એજન્ટ અને તેના મળતીયાઓએ આ ચાર લોકોને ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવ્યા હતા. આખરે ચારેય અપહૃત વ્યક્તિઓનો છૂટકારો થયો હતો. આ મામલે માણસા પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે દિલ્હીના મુખ્ય એજન્ટ જરીક અહેમદખાનની ધરપકડ કરીને 13 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવી આગળની તપાસ શરૂ કરી છે.
13 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા
આ અંગે માહિતી આપતા પીઆઈ વી.ડી. વાળાએ જણાવ્યું હતું કે, “એકાદ દિવસ પહેલા જ વચેટિયા એજન્ટ જરીક અહેમદખાન સફીકઅહેમદખાન (રહે. મુડીયા મહોલ્લો, મુંડીયા પિસ્તોર, વોર્ડ નં.5, તા.બાજપુર, જી. ઉધમસીંગનગર, ઉત્તરાખંડ)ને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી 13 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેની પૂછપરછ ચાલી રહી છે.” SOG ટીમ દ્વારા દિલ્હી, યુપી તથા ગુજરાત બહાર જુદા જુદા સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયા જવા ₹35 લાખનો સોદો થયો હતો
માણસા તાલુકાના બાપુપુરા ગામનાં અનિલ ચૌધરીને તેમના પિતરાઈ ભાઈ થકી દિલ્હીના પાસપોર્ટ-વિઝા એજન્ટ જરીક અહેમદ ખાનનો સંપર્ક થયો હતો. બાદમાં અનિલ તેમજ ગામના અજય કાંતિભાઇ ચૌધરી, એક મહિલા અને બદપુરાના નિખિલભાઇ રમણભાઇ ચૌધરી એમ ચાર જણાએ ઓસ્ટ્રેલિયા જવા માટે જરીકખાનને વ્યક્તિ દીઠ 35 લાખનો ખર્ચ ઉતાર્યા પછી આપવાનું નક્કી કરીને કામ સોંપ્યું હતું. જરીકે તેમને ફ્લાઇટની ટિકિટ, હોટલ બુકિંગ સહિતની તમામ ગોઠવણ કરાવી આપવાની બાંહેધરી આપી હતી.
ચારેય જણા અમદાવાદ એરપોર્ટથી બેંગકોક પહોંચ્યા હતા
થોડા દિવસો પછી, 16 ઓક્ટોબરે જરીકે અમદાવાદથી બેંગકોક સુધીની એર એશિયા ફ્લાઇટની ચારેયની ટિકિટ મોકલી આપી. દંપતી સહિત ચારેય જણા અમદાવાદ એરપોર્ટથી બેંગકોક પહોંચ્યા. તે સમયે પિતરાઈ ભાઈ નિકુલ બાબુભાઈ ચૌધરી મારફતે જરીકે બે દિવસના રોકાણ માટે બેંગકોક ખાતેની 'દુસીટ-ડી/૨ સમયાન હોટલ'ની બુકિંગ ટિકિટ મોકલી હતી, પરંતુ ત્યાં ચેક આઉટ ટાઇમ ચાલતો હોવાથી તેમને રૂમ મળ્યો ન હતો. આથી સ્વખર્ચે ડોલરથી નવી હોટલ 'ઇકોટેલ' બુક કરાવી તેઓ બે દિવસ રોકાયા હતા.
બેંગકોકથી વાયા દુબઈ થઈ તહેરાન પહોંચ્યા હતા
પિતરાઈ ભાઈ થકી જ બધી ગોઠવણ થતી હોવાથી અને ત્યાં તકલીફો પડતા અનિલ ચૌધરીએ ડાયરેક્ટ વાતચીત કરવા જરીકને કહેવડાવ્યું. જોકે, જરીક સીધો સંપર્કમાં આવતો નહોતો અને તેણે તહેરાનની ટિકિટો મોકલી આપી. 19 ઓક્ટોબરે ચારેય જણા બેંગકોકથી વાયા દુબઈ થઈ તહેરાન (ઈરાન) એરપોર્ટ ઉતર્યા. ત્યાં તહેરાનની 'મરકાઝી હોટલ'માં રોકાયા બાદ, 23 ઓક્ટોબરની રાત્રે એક અજાણ્યા ફોન નંબરથી તેમને હોટલ બહાર બોલાવવામાં આવ્યા હતા.
બંધક બનાવી મારપીટ, વીડિયો બનાવી ₹2 કરોડની ખંડણી માગી
હોટલ બહાર અગાઉથી બે ટેક્સી ઊભી હતી. તેમને સિડની લઈ જવાનું કહેવાયું. અનિલ અને નિખીલભાઇ રમણભાઇ ચૌધરીને એક ટેક્સીમાં તથા બીજી ટેક્સીમાં અજય ચૌધરી તથા મહિલાને બેસાડી ત્યાંથી એરપોર્ટની જગ્યાએ અન્ય કોઈ અવાવરૂ જગ્યાએ લઈ જવાયા હતા. અવાવરુ જગ્યાએ પહોંચ્યા બાદ ચારેય જણાના કપડાંથી હાથ-પગ બાંધી દઈ મોઢામાં ડૂચા મારી અસહ્ય યાતનાઓ આપવાની શરૂઆત થઈ હતી. અપહરણકર્તાઓએ ઘરે વોટ્સએપ કોલ કરાવી બે કરોડની ખંડણી માંગવાનો સિલસિલો શરૂ કર્યો. આ દરમિયાન, અનિલ અને નિકુલને નગ્ન કરીને મારતા મારતા વીડિયો પણ બનાવી પરિવાર ઉપર દબાણ ઊભું કર્યું હતું. પૈસા ન મોકલે તો ચારેયને મારી નાંખી કિડની, આંખો, લિવર કાઢી વેચી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
28 ઓક્ટોબરે ચારેય વ્યક્તિઓ હેમખેમ વતન પરત ફર્યા
આ ઘટના બાદ માણસાના પરિવારજનોએ ચારેયને છોડાવવા માટે સ્થાનિક ધારાસભ્યથી માંડી અન્ય સ્ત્રોતોનો સંપર્ક કર્યો અને મદદ માંગી. ભારે પ્રયાસો બાદ, અપહરણકારોએ ૨૭ ઓક્ટોબરે ચારેયને તહેરાન એરપોર્ટ બહાર ઉતારી દીધા. આખરે 28 ઓક્ટોબરે ચારેય વ્યક્તિઓ હેમખેમ વતન પરત ફર્યા હતા. ગાંધીનગર પોલીસે પરત ફરેલા ચારેય વ્યક્તિઓની પૂછપરછ કરતા તહેરાન ખાતે બાબુખાન, પવન રોકી તેમજ અજીમ એહમદ નામના શખ્સોના નંબરો પણ મળી આવ્યા હતા. બંધક બનાવનાર આશરે છ-સાત શખ્સો હતા, જેઓ હિન્દી-પંજાબી તેમજ અલગ-અલગ ભાષામાં વાતો કરતા હતા. ચારેયને બંધક બનાવેલા તે વખતે તમામના મોબાઇલ લઈ લેવાયા હતા અને તહેરાન એરપોર્ટ મૂકી જતી વેળાએ માત્ર અજય ચૌધરીનો મોબાઇલ ફોન સીમકાર્ડ વગર આપવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.
SOG એ દિલ્હીથી મુખ્ય એજન્ટને ઝડપી પાડ્યો
આ સમગ્ર મામલે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ વી.ડી. વાળાની આગેવાનીમાં સઘન તપાસ શરૂ કરાઈ હતી. જુદી જુદી ટીમો દિલ્હી, યુપી તથા ગુજરાત બહાર જુદા જુદા સ્થળોએ સક્રિય થઈ હતી, જેના ભાગરૂપે SOG ટીમ દ્વારા દિલ્હી ખાતેથી પાસપોર્ટ-વિઝાનું કામ કરનાર મુખ્ય એજન્ટ જરીક અહેમદખાન સફીક અહેમદ ખાનને દબોચી લેવાયો છે. આગળની તપાસ અને અન્ય આરોપીઓને પકડવા માટેના પ્રયાસો ચાલુ છે.
