Gandhinagar: રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારોહ સંપન્ન, NSA અજીત ડોવાલ માનદ ડોક્ટરેટથી સન્માનિત

રાષ્ટ્રની સુરક્ષા માત્ર સૈન્ય શક્તિ કે ટેકનોલોજી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં રાષ્ટ્રનું મનોબળ અને જનમાનસની જાગૃતિ સૌથી મહત્વના: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 14 Apr 2026 09:19 PM (IST)Updated: Tue 14 Apr 2026 09:19 PM (IST)
gandhinagar-news-president-droupadi-murmu-attends-5th-convocation-at-rashtriya-raksha-university-honors-ajit-doval-728089
HIGHLIGHTS
  • ડિજિટલ યુગમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્વ અને જવાબદારી અનેકગણી વધી છે
  • સાયબર સુરક્ષા એ હવે માત્ર સુરક્ષાનો વિષય નથી પરંતુ તે ડિજિટલ વિશ્વાસનું પણ અભિન્ન અંગ

Gandhinagar: રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે આજે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને પાંચમો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ‌ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, પદવીદાન સમારોહ એ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માટે ગૌરવની ક્ષણ હોય છે, કારણ કે તે રાષ્ટ્રહિત માટે શિક્ષિત, તાલીમબદ્ધ અને સમર્પિત યુવા પેઢી સમાજને અર્પણ કરે છે.

પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું કે, આ યુવા શક્તિ જ દેશના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. આ પ્રસંગે તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી વિશેષ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિએ બદલાતા સમયના સુરક્ષા પડકારો અંગે વાત કરતા ભારપૂર્વક જણાવ્યું કે, વર્તમાન સમયમાં ડિજિટલ યુગના આગમન સાથે સાયબર ક્રાઈમ, ફિશિંગ એટેક અને ડેટા સુરક્ષા જેવા નવા જોખમો દેશ સામે મોટા ખતરા તરીકે ઉભરી આવ્યા છે. અગાઉ આ શબ્દો માત્ર પરિચય પૂરતા મર્યાદિત હતા, પરંતુ આજે તે વાસ્તવિક પડકાર છે. આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્વ અને જવાબદારી અનેકગણી વધી જાય છે, કારણ કે દેશની સુરક્ષાનું સુચારુ સંચાલન હવે આધુનિક તકનીકી કૌશલ્ય પર નિર્ભર છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, દેશને આજે એવા કુશળ પોલીસ અધિકારીઓની જરૂર છે, જે સાયબર ગુનેગારોને પકડવા અને તેમને સજા અપાવવા માટે તકનીકી રીતે સક્ષમ અને સશક્ત હોય. આ સાથે જ ન્યાયિક પ્રક્રિયાને મજબૂત કરવા માટે એવા ફોરેન્સિક નિષ્ણાતોની પણ અનિવાર્યતા છે, જેઓ ન્યાયાલયની કસોટી પર ખરા ઉતરે તેવા પુરાવાઓ રજૂ કરી શકે. હવે સુરક્ષા માત્ર ભૌગોલિક સીમાઓ કે પરંપરાગત હથિયારો પૂરતી સીમિત નથી, પરંતુ સાયબર સુરક્ષા, ડેટા સુરક્ષા અને કૂટનીતિ એ પરંપરાગત શક્તિ જેટલા જ મહત્વપૂર્ણ બની ગયા છે.

રાષ્ટ્રની સુરક્ષા અને આત્મનિર્ભરતા અંગે વાત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો અને સાધનોના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર નક્કર પ્રયાસો કરી રહી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા 'ડીપ ટેક' સંબંધિત નીતિઓમાં ઉદ્યોગો સાથે જે જોડાણ કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે.

તેમણે સૂચન કર્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં બદલાતા પ્રવાહોને ધ્યાને રાખીને યુનિવર્સિટીએ પોતાની રણનીતિ સતત અપડેટ કરવી જોઈએ, જેથી દેશના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે સુરક્ષિત પરિવેશ મળી રહે.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ભૂમિકા પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે 'ઇન્ડિયા એઆઈ મિશન' અને એઆઈ ગવર્નન્સના માધ્યમથી ભારત વિશ્વ પટલ પર એક મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. 2026 સુધીમાં ભારત આ ક્ષેત્રમાં વધુ સશક્ત બનીને ઉભરશે, જે દેશની સુરક્ષા અને આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. સાયબર સુરક્ષા એ હવે માત્ર સુરક્ષાનો વિષય નથી પરંતુ તે ડિજિટલ વિશ્વાસનું પણ અભિન્ન અંગ છે.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સુરક્ષા દળોની કામગીરીની સરાહના કરતા જણાવ્યું કે, તાજેતરમાં નક્સલવાદ વિરુદ્ધ સુરક્ષા દળોએ નિર્ણાયક વિજય મેળવ્યો છે. દેશના જે વિસ્તારોમાં અગાઉ ભયનું વાતાવરણ હતું, ત્યાં આજે શાંતિ અને સુરક્ષા સ્થાપિત થઈ છે. અગાઉ જ્યાં નકસલવાદનો લાલ ઝંડો લહેરાતો હતો ત્યાં આજે દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. આ સફળતા માટે તેમણે તમામ રાજ્ય પોલીસ દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોની વિશેષ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું કે સુરક્ષિત વાતાવરણમાં જ વ્યવસાય અને આર્થિક સમૃદ્ધિ ફૂલેફાલે છે, તેથી સુરક્ષાકર્મીઓનું યોગદાન દેશના વિકાસ સાથે સીધું જોડાયેલું છે.

શૈક્ષણિક અને ખેલકૂદ ક્ષેત્રે યુનિવર્સિટીની સિદ્ધિઓને બિરદાવતા રાષ્ટ્રપતિએ નોંધ્યું કે, આ યુનિવર્સિટી રમતગમત અને શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્પર્ધાઓ અને કુસ્તી જેવા ખેલમાં પદકો જીતીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. તેમણે તમામ વિજેતાઓને અભિનંદન આપતા રમતગમત ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

ખાસ કરીને પદવીદાન સમારોહમાં વિદ્યાર્થિનીઓના દેખાવ અંગે હર્ષ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, એન્જિનિયરિંગ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં મેડલ મેળવવામાં વિદ્યાર્થિનીઓ અગ્રેસર છે તે જોઈને ઘણો આનંદ થાય છે. દીકરીઓની આ પ્રગતિ દર્શાવે છે કે તેઓ આગામી સમયમાં રક્ષા ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા તૈયાર છે. રક્ષણ અને એન્જિનિયરિંગમાં દીકરીઓની આ પ્રગતિ વિકસિત ભારતનું સબળ ચિત્ર રજૂ કરે છે.

રાષ્ટ્રપતિએ દીક્ષિત વિદ્યાર્થીઓને આહવાન કર્યું કે, તમે એક સુરક્ષિત, ન્યાયપૂર્ણ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં તમારું સર્વશ્રેષ્ઠ યોગદાન આપો. તમારા જેવા સક્ષમ અને પ્રવીણ પ્રોફેશનલ્સના કારણે જ ભારત આગામી સમયમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે વિશ્વ સમક્ષ ઉભરી આવશે. દેશના વિકાસના પથ પર તમારી સુરક્ષા અને સેવા અનિવાર્ય છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમાં પદવીદાન સમારોહમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને રાષ્ટ્રપતિશ્રીના હસ્તે માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

માનદ ડોક્ટરેટની પદવી સ્વીકારતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે જણાવ્યું કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. વર્ષ 2008માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે આ સંસ્થાની જે કલ્પના કરી હતી, તે આજે વાસ્તવિકતા બનીને દેશની સુરક્ષામાં અભૂતપૂર્વ યોગદાન આપી રહી છે.

રાષ્ટ્રીય સુરક્ષાને એક જટિલ વિષય ગણાવતા તેમણે ઉમેર્યું કે, સુરક્ષા માત્ર સૈન્ય શક્તિ કે ટેકનોલોજી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં રાષ્ટ્રનું મનોબળ અને જનમાનસની જાગૃતિ સૌથી મહત્વનો ભાગ ભજવે છે.

ડોવાલે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા એ માત્ર સેના કે પોલીસની જવાબદારી નથી, પરંતુ તે સમગ્ર દેશનું સામૂહિક દાયિત્વ છે. સુરક્ષાના ક્ષેત્રમાં કામ કરનારા લોકો પાસે અદ્યતન જ્ઞાન સંપદા, અતૂટ ચારિત્ર્ય અને પરિણામલક્ષી દ્રષ્ટિકોણ હોવો અનિવાર્ય છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સુરક્ષા એ એક એવું ક્ષેત્ર છે જ્યાં 'સિલ્વર મેડલ' જેવું કંઈ હોતું નથી; અહીં કાં તો વિજય મળે છે અથવા પરાજય. જો તમે જીતો છો તો રાષ્ટ્ર સુરક્ષિત રહે છે અને જો હારો છો તો અસ્તિત્વ પર જોખમ ઊભું થાય છે. અંતમાં તેમણે યુવા દિક્ષાર્થીઓને આધુનિક પડકારોનો સામનો કરવા માટે સતત સજ્જ રહેવા અને રાષ્ટ્ર સેવાના મિશનમાં સંપૂર્ણ ક્ષમતા સાથે જોડાવા આહવાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કીર્તિ ચક્ર અને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જેવા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત અજીત ડોવાલ ભારતીય ઇતિહાસમાં સૌથી લાંબો સમય સેવા આપનારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતની સુરક્ષા નીતિઓ વધુ સજ્જ બની છે.

આ સમારોહ દરમિયાન વિવિધ વિદ્યાશાખાઓના સ્નાતક, અનુસ્નાતક અને PhDના કુલ 562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જ્યારે સમારોહના પ્રારંભે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રુદ્રાક્ષના વૃક્ષનું વાવેતર કર્યું હતુ. જે બાદ રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધી તથા સરદાર વલ્લભભાઈ પટેલની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી તેમણે મહાનુભાવો અને રક્ષા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે ફોટો સેશન કરાવ્યું હતું.