Gandhinagar News: પાટનગર ગાંધીનગરમાં સૌથી સુરક્ષિત ગણાતા સચિવાલય સંકુલમાં આજે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિવાલયના ગેટ નંબર-3 પાસે ફરજ પર તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ના એક જવાને અગમ્ય કારણોસર લીમડાના ઝાડ પર પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
પરોઢિયે ઝાડ પર લટકતો મળ્યો મૃતદેહ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક જવાનનું નામ 49 વર્ષીય રાજેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ હતું, જેઓ બરોડા SRP ગ્રુપ 9 માં ફરજ બજાવતા હતા. સચિવાલયના ગેટ 3 ખાતે તેમની ડ્યુટી હતી. રાજેન્દ્રસિંહે રાત્રે 12 વાગ્યે તેમના રિલીવર પાસેથી નોકરીનો ચાર્જ લીધો હતો. પરંતુ, વહેલી પરોઢિયે જ્યારે તેમનો રિલીવર લઘુશંકા કરવા ઉઠ્યો ત્યારે તેણે રાજેન્દ્રસિંહનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં જોયો હતો.
પોલીસે મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
આ બનાવ અંગે જાણ થતા જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઝાડ પરથી મૃતદેહ નીચે ઉતારી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, અને ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.
આપઘાત પાછળનું કારણ અકબંધ
SRP જવાન રાજેન્દ્રસિંહે કયા કારણોસર મોતને વહાલું કર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં સેક્ટર-7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ આત્મહત્યા પાછળ કોઈ કૌટુંબિક પ્રશ્ન જવાબદાર છે કે પછી માનસિક તણાવ, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
સચિવાલય જેવા અત્યંત વ્યસ્ત અને સુરક્ષિત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ પોલીસ તંત્રની માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ અને કામના ભારણ અંગે પણ અનેક પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા કર્યા છે. ચાલુ ફરજે SRP જવાને આ રીતે આપઘાત કરી લેતા આસપાસના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ ઉમટી પડ્યા હતા. આ બનાવને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
