GSRTC QR Code Feedback System: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને સેવાઓને વધુ પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યના જાહેર પરિવહન તંત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ શરૂ કરવામાં આવી છે, જેને મુસાફરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
શું છે આ નવી સિસ્ટમ અને કેવી રીતે કરે છે કામ?
GSRTC દ્વારા હવે દરેક એસ.ટી. બસમાં વિશેષ QR કોડ લગાવવામાં આવ્યા છે. મુસાફરોએ હવે કોઈ પણ ફરિયાદ કે સૂચન માટે લાંબી પ્રક્રિયા કરવાની જરૂર નથી. બસમાં તેમની બેઠક આગળ અથવા બસના મુખ્ય ભાગમાં લગાવેલા આ કોડને માત્ર સ્કેન કરીને મુસાફરો પોતાનો અભિપ્રાય આપી શકે છે.
ફીડબેક આપવાની પ્રક્રિયા
- 1) મુસાફરોએ પોતાના મોબાઈલથી બસમાં રહેલા QR કોડને સ્કેન કરવાનો રહેશે.
- 2) સ્કેન કર્યા બાદ મુસાફરે પોતાનું નામ, ઈમેલ, મોબાઈલ નંબર અને PNR અથવા ટિકિટ નંબર જેવી વિગતો ભરવાની રહેશે.
- 3) મુસાફરો બસની સ્વચ્છતા, બેઠક સુવિધા, સમયપાલન, સ્ટાફનું વર્તન અને સલામતી જેવા મુદ્દાઓ પર 1 થી 5 સુધીનું રેટિંગ આપી શકે છે.
- 4) જો કોઈ સમસ્યા હોય તો મુસાફરો તે અંગેના ફોટા પણ સીધા અપલોડ કરી શકે છે, જે સીધા સંબંધિત અધિકારી સુધી પહોંચે છે.
માર્ચ 2026ના આંકડા
માર્ચ 2026માં આ સિસ્ટમ અમલી બન્યા બાદ માત્ર એક જ મહિનામાં 1,702 મુસાફરોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. આ વિશ્લેષણ મુજબ, GSRTCને 5 માંથી 4.5નું સરેરાશ સેટિસ્ફેક્શન રેટિંગ મળ્યું છે. જેમા સલામતીમાં સૌથી વધુ 4.7 રેટિંગ, સ્ટાફનું વર્તન 4.6 રેટિંગ, અને સ્વચ્છતામાં 4.5 રેટિંગ મળ્યું છે. આ આંકડા દર્શાવે છે કે એસ.ટી. બસની સેવાઓ પર લોકોનો વિશ્વાસ આજે પણ અકબંધ છે.
ફરિયાદ પર તાત્કાલિક એક્શન લેવાયા
આ સિસ્ટમની સફળતાનો પુરાવો તાજેતરની એક ઘટના પરથી મળે છે. AC અને Volvo બસોમાં મુસાફરી કરતા કેટલાક મુસાફરોએ QR કોડ દ્વારા બસમાં આવતી દુર્ગંધ અંગે ફરિયાદ કરી હતી. આ ફીડબેક મળતા જ નિગમના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને રાજ્યભરની તમામ પ્રીમિયમ બસોમાં એર ફ્રેશનર લગાવવાની વ્યવસ્થા કરી, જેથી મુસાફરોને સુખદ અનુભવ મળી શકે.
હર્ષ સંઘવીનું નિવેદન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પહેલ અંગે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમે જાહેર પરિવહનને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. છેલ્લા એક વર્ષમાં દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ છે અને અમારો લક્ષ્યાંક આ આંકડાને 30 લાખ સુધી લઈ જવાનો છે. પેસેન્જર ફીડબેક સિસ્ટમ દ્વારા અમને ખ્યાલ આવે છે કે કઈ સેવાઓમાં સુધારાની જરૂર છે અને અમે તેના પર ત્વરિત કામ કરીએ છીએ.”
400થી વધુ બસ ડેપો પર લાગશે QR કોડ
બસો બાદ હવે નિગમ રાજ્યના તમામ મુખ્ય બસ ડેપોની સ્વચ્છતા માટે પણ આવી જ સિસ્ટમ લાવવા જઈ રહ્યું છે. 400થી વધુ બસ ડેપો માટે અલગ-અલગ QR કોડ બનાવવામાં આવી રહ્યા છે. મુસાફરો ડેપો પરની સ્વચ્છતા અને સુવિધાઓ વિશે પણ પોતાનું રેટિંગ આપી શકશે, જેનાથી સ્થાનિક વહીવટી તંત્રની જવાબદારી નક્કી થશે.
