UpdatedIST

Tractor Sahay Yojana: છેલ્લા 5 વર્ષમાં 2 લાખથી વધુ ખેડૂતોને ટ્રેક્ટર માટે રૂ. 1,191 કરોડની સહાય ચૂકવાઈ

PM મોદીએ વર્ષ 2011-12માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે ટ્રેક્ટર સહાય યોજનાનો પાયો નાખ્યો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજનાના બજેટમાં ધરખમ વધારો કર્યો: કૃષિ મંત્રી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 20 Feb 2026 05:37 PM (IST)Updated: Fri 20 Feb 2026 05:37 PM (IST)
gujarat-becomes-first-state-to-allocate-rs-800-crore-for-tractor-sahay-yojana-695808
HIGHLIGHTS
  • ખેડૂતોને ટ્રેક્ટર સહાય આપવામાં ગુજરાત દેશભરમાં મોખરે
  • ટ્રેક્ટર સહાય માટે બજેટમાં રૂ. 800 કરોડની ઐતિહાસિક જોગવાઈ

Tractor Sahay Yojana: વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ટ્રેક્ટર સહાય યોજના (Tractor Subsidy Scheme) અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતના કૃષિ યાંત્રીકીકરણના વધતા વ્યાપ અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો રજૂ કરી હતી.

મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ખેતીમાં શ્રમ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે ટ્રેક્ટર એક અનિવાર્ય સાધન છે અને ગુજરાત સરકાર ખેડૂતોને આ દિશામાં મહત્તમ સહાય કરી રહી છે.

ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને વેગ આપવા માટે AGR-50 (ટ્રેક્ટર સહાય યોજના)ની શરૂઆત વર્ષ 2011-12માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર રૂ. 55 કરોડની જોગવાઈથી શરૂ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાવેતર અને ઉત્પાદનમાં વધારો કરી ખેતીને આધુનિક બનાવવાનો હતો.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યોજનાના વ્યાપમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2026-27 સુધીમાં આ યોજના માટે બજેટમાં રૂ. 800 કરોડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, સમગ્ર દેશમાં ટ્રેક્ટર ઘટક માટે આટલી મોટી રકમની જોગવાઈ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ઉપરાંત ટ્રેક્ટરની ખરીદીમાં સહાયની મર્યાદા પણ વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા 5 નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યના કુલ 2,01,605 ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટરની ખરીદી માટે કુલ રૂ. 1,191.94 કરોડની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.

ગત પાંચ વર્ષમાં ટ્રેક્ટર માટે ખેડૂતોને આપવામાં આવેલી સહાયની વિગતો: Tractor Sahay Yojana

  • વર્ષ 2021-22માં 30,568 ખેડૂતોને કુલ રૂ. 144 કરોડની સહાય
  • વર્ષ 2022-23માં 29,933 ખેડૂતોને કુલ રૂ. 142.08 કરોડની સહાય
  • વર્ષ 2023-24માં 59,311 ખેડૂતોને કુલ રૂ. 282.34 કરોડની સહાય
  • વર્ષ 2024-25માં 49,227 ખેડૂતોને કુલ રૂ. 238.16 કરોડની સહાય
  • વર્ષ 2025-26માં (31/12/2025 સુધીમાં) 32,566 ખેડૂતોને કુલ રૂ. 325.36 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

    કૃષિ મંત્રીએ અંતમાં જણાવ્યું કે, આ યોજના દ્વારા ખેત મજૂરોની અછતની સમસ્યા હલ થઈ છે અને રાજ્યનો ખેડૂત આધુનિક મશીનરીના ઉપયોગથી સમૃદ્ધ બનીને તેમની આવકમાં વૃદ્ધિ કરી રહ્યો છે.