Gujarat Politics News: ગુજરાતના રાજકારણમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરફાર શુક્રવાર, તારીખ 17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
મંત્રીમંડળના વિસ્તરણ સમારોહમાં ભાજપ હાઈકમાન્ડના ટોચના નેતાઓ — કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ — ખાસ હાજર રહેવાના છે. સામાન્ય રીતે મંત્રીમંડળના માત્ર વિસ્તરણમાં આટલા બધા ટોચના નેતાઓ હાજર રહેતા નથી, જે સંકેત આપે છે કે સરકારમાં મોટાપાયે બદલાવ થવાનો છે. સૂત્રોના મતે, નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે.
પૂર્ણ કદના મંત્રીમંડળની શક્યતા
બંધારણ મુજબ, મુખ્યમંત્રી સહિત મંત્રીપરિષદનું કદ 27 સભ્યોનું રહી શકે છે. વર્તમાનમાં 8 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મળી 16 મંત્રીઓ છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ વખતે પૂર્ણ કદનું 27 સભ્યોનું નવું મંત્રીમંડળ જાહેર થઈ શકે છે. આ વિસ્તરણમાં નવથી વધુ મંત્રીઓને મંત્રીમંડળમાંથી પડતા મુકાવવાની શક્યતા છે, અને તેના સ્થાને 12થી વધુ નવા ધારાસભ્યોને મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવશે.
MLAને ગાંધીનગર રહેવા આદેશ
મંત્રીમંડળમાં થનારા ફેરફારને કારણે ભાજપના તમામ 162 ધારાસભ્યોને ગુરુવાર (આજથી) અને શુક્રવાર એમ બે દિવસ ગાંધીનગરમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ સૂચનાઓ શાસકપક્ષના મુખ્ય દંડક દ્વારા આપવામાં આવી છે. વિસ્તરણ પછી, ભાજપના 162 ધારાસભ્યોમાંથી પ્રત્યેક છઠ્ઠા કે સાતમા ધારાસભ્યને મંત્રી કે સમકક્ષ પદ મળવાની શક્યતા છે.
સંભવિત નવા ચહેરા
નવા મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. કેબિનેટ કક્ષાના મંત્રીઓ તરીકે શંકર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, જયેશ રાદડિયા, સી.જે. ચાવડા અને જીતુ વાઘાણી જેવા નામો ચર્ચામાં છે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં અલ્પેશ ઠાકોર, રીવાબા જાડેજા, મહેશ કસવાલા અને સંદીપ દેસાઈ જેવા ધારાસભ્યોને તક મળી શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે બપોર પછી મુંબઈથી પરત આવ્યા બાદ રાજ્યપાલને મળીને શપથવિધિ માટે સમયની માંગણી કરશે અને પદનામિત મંત્રીઓના નામોની સૂચિ સોંપશે. આ મોટા ફેરફારોને લઈને ભાજપમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
