Gujarat Fake Hotel/Dharamshala Fraud:દેશભરમાં જાણીતા પ્રવાસન અને ધાર્મિક સ્થળોની મુલાકાતે જતા યાત્રીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. CID સ્ટેટ સાયબર સેલે એક એવા આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે જે હોટલ અને ધર્મશાળાના નામે નકલી વેબસાઈટ બનાવી લોકોના ખિસ્સા ખાલી કરતા હતા.
કઈ રીતે આચરવામાં આવતી છેતરપિંડી?
તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકી પ્રખ્યાત હોટલ અને વિવિધ સમાજની ધર્મશાળાના નામને મળતા આવતા ભળતા નામો ધરાવતી બનાવટી વેબસાઈટ, ડિજિટલ પોર્ટલ અને ફેસબુક કે ગૂગલ વેબપેજ તૈયાર કરતી હતી. જ્યારે કોઈ સામાન્ય નાગરિક ગૂગલ પર સર્ચ કરે ત્યારે આ ફેક લિંક્સ સામે આવતી હતી, જેનાથી લોકોનો વિશ્વાસ જીતી લેવામાં આવતો હતો.
યાત્રીઓ જ્યારે રૂમ બુકિંગ માટે આપેલા નંબર પર સંપર્ક કરતા, ત્યારે આરોપીઓ એડવાન્સ રકમ પેટે UPI અથવા અન્ય ડિજિટલ વોલેટ દ્વારા નાણાં સીધા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. એકવાર પૈસા જમા થઈ ગયા પછી, આરોપીઓ બુકિંગ કન્ફર્મેશન આપવાને બદલે વધુ નાણાંની માંગણી કરતા અથવા સંપર્ક કાપી નાખતા હતા.
નાની રકમ હોવાથી લોકો FIR કરવાનું ટાળતા
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આ ગેંગના લોકો માત્ર 5 જેટલા મોબાઈલ નંબરથી આખું નેટવર્ક ચલાવતા હતા. આરોપીઓ ખાસ કરીને રૂ. 1,000 થી રૂ. 5,000 જેવી નાની રકમની જ છેતરપિંડી કરતા હતા. લોકો નાની રકમ હોવાથી પોલીસમાં માત્ર અરજી આપીને સંતોષ માનતા અને સત્તાવાર FIR નોંધાવવાનું ટાળતા, જેનો લાભ આ સાયબર ગુનેગારો ઉઠાવતા.
24 જેટલી નકલી વેબસાઈટનું લીસ્ટ મળ્યું
સાયબર સેલની તપાસમાં વર્ષ 2025 થી 2026 દરમિયાન સક્રિય એવી 24 જેટલી બનાવટી વેબસાઈટ અને વેબપેજ મળી આવ્યા છે. જેમાં કતરાનું નિહારીકા ભવન, બાબા કાલીકમલી વાલી, દ્વારકાનું સ્વામીનારાયણ ભક્તિધામ, અને ઈસ્કોન વૃંદાવન ગેસ્ટહાઉસ જેવા જાણીતા નામનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મહેશ્વરી અતિથિ ભવન, નંદાકામ ગેસ્ટ હાઉસ અને સપ્તગીરી ગેસ્ટ હાઉસ જેવા નામે પણ ફેક પેજ બનાવી છેતરપિંડી આચરવામાં આવતી હતી. હાલમાં ગાંધીનગર સ્થિત CID સાયબર સેલ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
