રાજ્ય સરકારનો મોટો નિર્ણય: રેશનકાર્ડ હવે ઓળખ/રહેઠાણનો પુરાવો નહીં ગણાય, માત્ર અનાજ અને ગેસ કનેક્શન માટે જ ઉપયોગ

રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે, હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખ (Identity) કે રહેઠાણ (Address)ના પુરાવા તરીકે કરી શકાશે નહીં.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 16 Oct 2025 10:43 AM (IST)Updated: Thu 16 Oct 2025 10:43 AM (IST)
gujarat-government-limits-ration-card-use-to-food-grains-and-gas-no-longer-valid-as-id-or-address-621514
HIGHLIGHTS
  • સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોમાં વ્યાપક મુંઝવણ ફેલાઈ છે.
  • સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગરીબ પરિવારોને રાહત આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને રેશનકાર્ડના ઉપયોગની મર્યાદાઓ નક્કી કરી દીધી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે, હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખ (Identity) કે રહેઠાણ (Address)ના પુરાવા તરીકે કરી શકાશે નહીં. આ નિર્ણયને કારણે રેશનકાર્ડ હવે કોઈ પણ સરકારી દસ્તાવેજી પુરાવા તરીકે અમાન્ય ગણાશે.

ક્યાં થશે ઉપયોગ?

સરકારના પરિપત્ર મુજબ, રેશનકાર્ડનો ઉપયોગ માત્ર બે મૂળભૂત હેતુઓ માટે જ થઈ શકશે: અનાજનો પુરવઠો મેળવવા માટે અને ગેસ કનેક્શન મેળવવા માટે.

પુરવઠા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, રેશનકાર્ડનો મૂળભૂત હેતુ લાભાર્થીઓને સબસિડી આધારિત અનાજ અને ઈંધણ જેવી જરૂરી વસ્તુઓ પૂરી પાડવાનો જ છે. અત્યાર સુધી રેશનકાર્ડનો ઉપયોગ આધાર કાર્ડ, બેંકિંગ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, વીજળીનું બિલ અને મતદાન નોંધણી જેવા અનેક દસ્તાવેજી પુરાવા તરીકે થતો હતો, જે હવે બંધ થઈ જશે.

મુંઝવણ અને અસંતોષ

સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોમાં વ્યાપક મુંઝવણ ફેલાઈ છે. ખાસ કરીને, આરોગ્ય વીમા યોજનાઓ જેવી કે 'મા કાર્ડ' અથવા અન્ય કેન્દ્ર અને રાજ્યની આરોગ્ય વીમા યોજનાઓ મેળવવા માટે હજુ પણ રેશનકાર્ડનો ઉપયોગ થાય છે. આ અંગે સરકારે કોઈ ફોડ પાડ્યો નથી. જ્યારે લોકો સિવિક સેન્ટર્સ પર અન્ય પુરાવા માટે રેશનકાર્ડનો ઉપયોગ કરશે અને તેમને પાછા કાઢવામાં આવશે, ત્યારે લોકોમાં વ્યાપક અસંતોષ ફેલાય તેવી શક્યતા છે.

દિવાળી નિમિત્તે અનાજ વિતરણ

આ નિયમનકારી ફેરફાર વચ્ચે, સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગરીબ પરિવારોને રાહત આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKY) અંતર્ગત રાજ્યના 75 લાખથી વધુ રેશનકાર્ડધારકોના 3.26 કરોડ સભ્યોને ઘઉં, ચોખા, બાજરી અને જુવારનું વિતરણ કરાશે.

ખાદ્ય અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, અંત્યોદય અન્ન યોજના (AAY)ના કુટુંબોને પ્રતિ કાર્ડ કુલ 35 કિલો અનાજ અને પ્રાયોરિટી ધરાવતા કુટુંબો (PHH)ને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરાશે. આ ઉપરાંત, તહેવાર માટે રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું પણ વિતરણ કરવામાં આવશે. રાજ્યની 17 હજાર દુકાનોમાં NFSA હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને BPL પરિવારો આ લાભ મેળવશે. જોકે, દસ્તાવેજી પુરાવા તરીકે રેશનકાર્ડની અમાન્યતા સામાન્ય નાગરિકો માટે એક નવી સમસ્યા ઊભી કરશે.