Gandhinagar News: ગુજરાત રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે ગુજરાત સરકાર પાસે ટૂંક સમયમાં રાજ્યમાં જોવા મળતા ઝેરી સાપોમાંથી જ બનાવેલું એન્ટિવેનમ ઉપલબ્ધ થશે. સર્પદંશથી થતા માનવ મૃત્યુઓને ઘટાડવા માટે આ પગલું અસરકારક સાબિત થશે. ગુજરાત સરકાર દ્વારા ધરમપુર ખાતે સ્થપાયેલી સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તાજેતરમાં યોજાયેલી સાપોના ઝેરની હરાજીમાં તેની ઉચ્ચ ગુણવત્તાને કારણે અપેક્ષા કરતાં વધુ કિંમત મળી હતી. આ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટિવેનમ બનાવવાનું કામ કરી રહ્યું છે, જે ભારત સરકારના સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવાના રાષ્ટ્રીય કાર્યયોજનાનો એક ભાગ છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત સરકારે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) નામની સંસ્થા સ્થાપી છે. ધરમપુર સ્થિત આ સંસ્થામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા ઝેરી સાપોને લાવવામાં આવે છે. હાલમાં, અંદાજે 460 ઝેરી સાપો અહીં રાખવામાં આવ્યા છે. સાપોની સંભાળ અને ઝેર કાઢવાની પ્રક્રિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. આધુનિક ટેક્નોલોજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે.
આ પાવડરની હરાજી કરી લાયસન્સ ધરાવતા એન્ટિવેનમ બનાવતા ઉત્પાદકોને આપવામાં આવશે. આ ઉત્પાદકો તેમાંથી જે એન્ટિવેનમ બનાવશે તેને ગુજરાત સરકાર ખરીદી લેશે અને ગુજરાતની વિવિધ હોસ્પિટલોને સર્પદંશની સારવાર માટે એન્ટિવેનમ પુરું પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને અટકાવવા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે અને આ માટે ગુજરાતમાં જોવા મળતા ઝેરી સાપોમાંથી જ મેળવેલા ઝેરમાંથી એન્ટીવેનમ બનાવવાનું મહત્વનું કામ પ્રગતિમાં છે.
સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં થઈ ઝેરની ઇ-હરાજી
આ સર્પ સંશોધન કેન્દ્રએ તાજેતરમાં ગુજરાતમાં જોવા મળતી ચાર મુખ્ય ઝેરી સાપની પ્રજાતિઓ—ઈન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સૉ-સ્કેલ્ડ વાયપર—ના લાયોફિલાઇઝ્ડ (પાવડર સ્વરૂપમાં) ઝેરની ઈ-હરાજી કરી હતી. આ હરાજીમાં લાયસન્સ ધરાવતા એન્ટિવેનમ બનાવતા ઉત્પાદકોએ ભાગ લીધો હતો. આ સંસ્થામાં રાખવામાં અને સાચવવામાં આવેલા ઝેરી સાપોમાંથી કાઢેલા ઝેરની ગુણવત્તા એટલી સારી હતી કે, આ ઝેર માટે ધાર્યા કરતા પણ ઉંચી કિંમત મળી.

સર્પ સંશોધન કેન્દ્રનાં એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, “ઈન્ડિયન કોબ્રાના ઝેર માટે પ્રતિ ગ્રામ ₹ 40,000ની બેઝ પ્રાઇસ (આધાર કિંમત) નક્કી કરવામાં આવી હતી, પરંતુ અમને પ્રતિ ગ્રામ ₹ 44,000 મળ્યા. સૉ-સ્કેલ્ડ વાયપરના ઝેર માટે પ્રતિ ગ્રામ રૂ. 50,000ની આધાર કિંમત સામે ₹ 56,500 મળ્યા. અન્ય પ્રજાતિઓ માટે પણ સારો પ્રતિસાદ મળ્યો અને ઉંચી કિંમત મળી.”
સર્પ સંશોધન કેન્દ્રના ઉપાધ્યક્ષ ડૉ. ડી.સી. પટેલે જણાવ્યું કે, “સર્પદંશની સારવારમાં મુખ્ય પડકાર એ છે કે સાપનું ઝેર પ્રદેશ પ્રમાણે બદલાય છે. દૂરનાં પ્રદેશના ઝેરથી બનાવેલું એન્ટિવેનમ ઘણી વખત ઓછું અસરકારક સાબિત થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકારે સર્પ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી છે અને અહીં ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટિવેનમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અમને આશા છે કે, ગુજરાતમાંથી પકડેલા સાપનાં ઝેરમાંથી બનેલા એન્ટિવેનમ સર્પદંશની સારવારમાં વધુ અસરકારક નીવડશે.’’
ડૉ. ડી. સી. પટેલ જનરલ સર્જન છે, અને સર્પદંશની સારવારમાં તેમનું મહત્વનું યોગદાન છે. તેઓ ધરમપુરમાં હોસ્પિટલ ચલાવે છે અને સર્પદંશની સારવારમાં 98 ટકાથી વધુ સફળતા દર સાથે સાપદંશ પીડિતોની સારવાર કરે છે. છેલ્લા 35 વર્ષથી તેઓએ સંભાળેલા દરેક સાપદંશ કેસનું દસ્તાવેજીકરણ પણ કરવામાં આવે છે.
ડૉ. પટેલે વધુમાં જણાવ્યું કે, “અહીં રાખવામાં આવેલા સાપોમાંથી મેળવવામાં આવતું ઝેર ઉચ્ચ ગુણવત્તાનું છે કારણ કે સંસ્થા WHOની માર્ગદર્શિકા અનુસરે છે. સંસ્થા દ્વારા પૂરા પાડેલા ઝેર પરથી તૈયાર કરાયેલ એન્ટિવેનમ ઉપલબ્ધ થતાં રાજ્યમાં સર્પદંશ સંબંધિત મૃત્યુઓમાં ઘટાડો થવાની આશા છે.”
સર્પ સંશોધન કેન્દ્રને આગામી સમયમાં વિશ્વ કક્ષાની સંસ્થા બનાવવાનું આયોજન
સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF)નાં તાબા હેઠળ કાર્ય કરે છે. GFRF ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા છે. રાજ્યમાં સાપદંશ સંબંધિત મૃત્યુઓ ઘટાડવા માટે સંશોધન, તાલીમ અને જનજાગૃતિ ક્ષેત્રે સર્પ સંશોધન કેન્દ્ર મહત્વપૂર્ણ કામ કરે છે.
સર્પ સંશોધન કેન્દ્રને આગામી સમયમાં વિશ્વ કક્ષાનું બનાવવા માટેની યોજના ઘડાઇ ચૂકી છે. વલસાડ કલેક્ટર દ્વારા આ સંસ્થાનું કાયમી કેમ્પસ બનાવવા અને તેને સંબધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે 2.25 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આ સંસ્થાને વર્લ્ડ-ક્લાસ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે ₹11.68 કરોડનો પ્રસ્તાવ ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
દેશમાં એન્ટિવેનમ બનાવવા માટે સાપમાંથી ઝેર કાઢવાની પ્રવૃતિ હાલ તમિલનાડુ સ્થિત ઈરુળા સ્નેક કેચર્સ ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટી લિ. કરે છે. ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર હવે આ કામ કરતી દેશની બીજી સંસ્થા બની છે.

ભારત સર્પદંશ એન્વેનોમિંગ માટે રાષ્ટ્રીય કાર્યયોજના ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ
ભારત સર્પદંશ એન્વેનોમિંગ માટે રાષ્ટ્રીય કાર્યયોજના ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે માર્ચ 2024માં ‘નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ સ્નેકબાઇટ એન્વેનોમિંગ (NAP-SE)’ નો કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. આ વ્યાપક માળખું રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની કાર્યયોજનાઓ બનાવવા માર્ગદર્શન આપે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે, વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુ અને અપંગતા 50 ટકા સુધી ઘટાડો કરવાનો છે., ગુજરાતની સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) આ લક્ષ્ય હાંસલ કરવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
સાપદંશ સારવાર માટે ડૉક્ટરોને તાલીમ
સર્પ સંશોધન કેન્દ્ર લોકોમાં સર્પદંશ વિશે જાગૃતિ લાવવાનું કામ પણ કરે છે. અત્યાર સુધીમાં લગભગ 300થી વધુ સ્થાનિક સાપ રેસ્ક્યુઅર્સ અને 23 જિલ્લાઓમાં 1,495થી વધુ ડૉક્ટરો અને મેડિકલ ઓફિસરોને સર્પદંશ વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી છે. આ પ્રયાસો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક રિસ્પોન્સ અને સારવારના પરિણામોમાં સુધારો લાવી રહ્યા છે.
સર્પ સંશોધન કેન્દ્ર (ધરમપુર) જાગૃતિનાં કાર્યક્રમો ચલાવે છે. શિક્ષકોને તાલીમ આપે છે અને સ્થાનિક પંચાયતો સાથે મળીને સાપ અંગેની અંધશ્રદ્ધા દૂર કરવા તથા સુરક્ષિત પદ્ધતિઓ પ્રોત્સાહિત કરવા કામ કરે છે. સંસ્થાએ ‘સ્નેક્સ ઓફ વલસાડ’ નામની ફોટોગ્રાફિક ફિલ્ડ ગાઇડ પ્રકાશિત કરી છે અને આ સંદર્ભે એક દસ્તાવેજી ફિલ્મ પણ તૈયાર કરી છે.
