Gandhinagar: ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન (Nitin Navin) તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની (Jagdish Vishwakarm) ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં ‘બજેટ મીટ 2026‘ (BJP Budget Meet 2026) કાર્યક્રમ યોજાયો.
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવિનજીએ પ્રબુદ્ધજનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતીઓ 'રાષ્ટ્ર અને બિઝનેસ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતા' અને ભાજપા કાર્યકર્તાઓ હંમેશા 'નેશન ફર્સ્ટ, પાર્ટી નેક્સ્ટ'ની ભાવના સાથે કાર્ય કરે છે. ગુજરાત મોડલ આજે દેશભરમાં ચર્ચાનો વિષય છે અને અનેક રાજ્યો તેને અનુસરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બજેટ માત્ર નાણાકીય દસ્તાવેજ નથી, પરંતુ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાનો માર્ગદર્શક દસ્તાવેજ છે. પંડિત દીન દયાળ ઉપાધ્યાયજીના અંત્યોદયના વિચાર અને અટલ બિહારી વાજપેયીના સુશાસનના મોડલને આગળ વધારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારદર્શિતા અને ગવર્નન્સ દ્વારા યોજનાઓ સીધી લાભાર્થી સુધી પહોંચાડવાનું કાર્ય છે. જનધન ખાતાઓમાં દિલ્હીથી નીકળેલો રૂપિયો સીધો ગરીબના ખાતામાં જમા થાય તે સુનિશ્ચિત થયું છે.
કેન્દ્રનું બજેટ 'કર્તવ્ય ભવનથી કર્તવ્ય પથ પર ચાલતું પ્રથમ બજેટ' ગણાવી તેમણે તેને 2047ના વિકસિત ભારત માટેનો રોડમેપ તેમજ વૈશ્વિક આર્થિક અસ્થિરતા વચ્ચે ભારતનો 7% વૃદ્ધિદર અને નિયંત્રિત મોંઘવારીને શિસ્તબદ્ધ નાણાકીય વ્યવસ્થાપનનું પરિણામ ગણાવ્યું. MSME, સ્ટાર્ટઅપ, સેમિ કન્ડક્ટર, ડિફેન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધારેલા મૂડીરોકાણથી ઉદ્યોગોને બળ મળશે અને 'Ease of Doing Business'થી આગળ વધી હવે 'Ease of Growing Business'નો યુગ શરૂ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, મોબાઇલ ઉત્પાદન સહિત મેન્યુફેક્ચરિંગમાં ભારત આત્મનિર્ભર બન્યું છે, બેન્કિંગ ક્ષેત્રમાં એનપીએ 1%થી નીચે લાવવામાં સફળતા મળી છે અને ડિફેન્સ બજેટમાં 15%નો વધારો દેશને વધુ સશક્ત બનાવશે. સુરત કોરિડોર અને ગિફ્ટ સિટી માટેના ટેક્સ હોલિડેઇથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.
ગુજરાત 2035 સુધી વિકસિત રાજ્ય બનવાના વિઝન સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને સંસ્થાગત મજબૂતી પર કામ કરી રહ્યું છે અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે અગ્રેસર બનશે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને વડાપ્રધાન મોદીના નેતૃત્વને યાદ કરતાં કહ્યું કે, ગુજરાતે હંમેશા દેશને દિશા આપી છે. 2030ના કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી રાજ્યને વૈશ્વિક ઓળખ મળશે. મહિલાઓ માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ અને 'લખપતિ દીદી' જેવી પહેલથી નારી સશક્તિકરણને બળ મળ્યું છે.
અંતમાં તેમણે આહ્વાન કર્યું કે, 2035ના વિકસિત ગુજરાત અને 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા દરેક નાગરિક એક પગલું આગળ વધે, કારણ કે 'એક નાગરિકનું એક ડગલું, દેશના 140 કરોડ ડગલા બરાબર છે.'
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં કેન્દ્ર સરકારના બજેટને 'સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઈટ ડીરેક્શન' ગણાવતા જણાવ્યું હતું કે મોદી સરકારની ઓળખ 'રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ' રહી છે. દિલ્હી સ્થિત કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલ આ બજેટ ત્રણ કર્તવ્યો જેમ કે આર્થિક વૃદ્ધિને વેગ, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના સૂત્ર સાથે સૌને તક પર આધારિત છે.
રૂ. 53.5 લાખ કરોડના સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટમાં યુવાશક્તિ, નારીશક્તિ, કિસાનશક્તિ, શ્રમિક શક્તિ અને ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખી મહિલા સશક્તિકરણ, યુવા પ્રોત્સાહન, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ, સંસ્કૃતિ-પર્યટન, ઉદ્યોગ-ટેકનોલોજી, કૃષિ-ગ્રામ વિકાસ, MSME-સ્ટાર્ટઅપ અને AI જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ બજેટ વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી 'વિકસિત ભારત 2047'ની બ્લુપ્રિન્ટ છે.
ગુજરાતને મળનારા લાભો અંગે તેમણે જણાવ્યું કે, લોથલ અને ધોળાવીરા સહિત 15 પુરાતત્વ સ્થળોના વિકાસ, દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર, જામનગર સ્થિત World Health Organizationના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશન, મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન, મ્યુનિસિપલ બોન્ડ્સને બળ, ટીયર-2 અને ટીયર-3 શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન તરીકે વિકસાવવાની જાહેરાત તેમજ GIFT Cityના IFSCમાં 20 વર્ષ સુધી ટેક્સ હોલિડે લંબાવવાથી રાજ્યમાં રોકાણ અને રોજગારી વધશે.
દેશના 20 આઇકોનિક સ્થળોએ ટુરિસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતમાં પણ સ્થાનિક રોજગારી તકો વધશે. આ બજેટને અત્યાર સુધીનું સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ ગણાવી તેમણે કહ્યું કે આ આગામી 25 વર્ષનો રોડમેપ છે.
