ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, અત્યાર સુધીમાં 35 કેસ પોઝિટિવ, મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપી મહત્વની માહિતી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મહત્વનું અપડેટ આપ્યું છે. 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ આવ્યા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 03 Aug 2026 09:24 PM (IST)Updated: Mon, 03 Aug 2026 09:24 PM (IST)
health-authorities-in-gujarat-on-alert-over-chandipura-virus-35-positive-cases-reported-so-far-minister-praful-pansheriya-shares-key-information

Chandipura Virus Gujarat: રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ સેમ્પલમાંથી 35 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 11 સેમ્પલના ટેસ્ટ પરિણામો આવવાના હજુ બાકી છે.

હોસ્પિટલોમાં સુપર-સ્પેશિયાલિસ્ટ સારવાર અને સ્થિતિ

મંત્રીશ્રીના જણાવ્યા મુજબ, શંકાસ્પદ કેસોમાંથી 22 બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા છે. હાલમાં 6 દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને રજા અપાઈ છે, જ્યારે 7 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. ગાંધીનગર, સાબરકાંઠા (હિંમતનગર), પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં દાખલ બાળકો પર સુપર-સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે આ કેસો કોઈ એક જ ગામ કે ચોક્કસ સ્થળેથી નથી પરંતુ વિવિધ વિસ્તારોમાંથી સામે આવ્યા છે. મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર જેવી ગંભીર પરિસ્થિતિ અટકાવવા માટે તમામ હોસ્પિટલોને ઓક્સિજન અને વેન્ટિલેટર વાળા ICU બેડ ત્વરિત ફાળવવા આદેશ અપાયા છે.

ગ્રાઉન્ડ લેવલે તકેદારી અને રસી અંગે સંશોધન

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કાચા મમાનો અને માટીની દિવાલોની તિરાડો પુરવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત પશુપાલન ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસ સામે હાલમાં કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી. આથી તબીબો અને સંશોધકોની ટીમ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી રસી અને અસરકારક દવાની શોધ માટે સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.

વાલીઓ માટે આરોગ્ય મંત્રીની અપીલ

લક્ષણો જણાય તો તુરંત દોડો: બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ કે અન્ય ગંભીર લક્ષણો જણાય તો સમય બગાડ્યા વિના નજીકની સરકારી કે જિલ્લા હોસ્પિટલનો સંપર્ક કરવો.

તિરાડોનું પુરાણ: માટીના કે કાચા મકાનોની દિવાલોની તિરાડો તુરંત પુરાવી લેવી.

અફવાઓથી બચો: નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને આરોગ્ય વિભાગની ટીમોને સહકાર આપવા અપીલ કરાઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ 15 વર્ષથી નાની વયના બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે.