ખાતરના ડીલરો સાવધાન! યુરિયામાં ગેરરીતિ કરી તો સીધા જેલ ભેગા થશો, સરકારે ઉતારી વિશેષ ફ્લાઈંગ સ્ક્વોડ!

ગુજરાતમાં સબસિડાઈઝડ ખાતર અને યુરિયાની કાળાબજારી તેમજ ટેગિંગ રોકવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિશેષ તપાસ અધિકારીઓની નિમણૂક કરી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 06 Aug 2026 06:00 AM (IST)Updated: Thu, 06 Aug 2026 06:00 AM (IST)
if-you-commit-irregularities-in-urea-you-will-go-straight-to-jail-the-government-has-deployed-a-special-flying-squad

Gujarat Farmers: રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને સંપૂર્ણ પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક કરવામાં આવી છે.

કૃષિ મંત્રીની કડક ચેતવણી

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે ખેડૂતોના હિતનું રક્ષણ કરવા માટે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની ટીમો તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. સરકાર નીચે મુજબની કોઈપણ ગેરરીતિ સાંખી લેશે નહીં.

સબસિડાઈઝડ ખાતરનો ઔદ્યોગિક ડાયવર્ઝન: ખેતીનું યુરિયા બિન-કૃષિ કે ફેક્ટરીઓમાં વપરાય.

કૃત્રિમ અછત અને કાળાબજારી: સંગ્રહખોરી કરીને વધુ ભાવે ખાતર વેચવું.

બનાવટી ખાતરનું વેચાણ: ખેડૂતો સાથે થતી ગુણવત્તા સંબંધિત છેતરપિંડી.

ફરજિયાત ટેગિંગ: યુરિયા ખાતર સાથે અન્ય કોઈ પ્રોડક્ટ કે ખાતર પરામર્શ વગર બળજબરીથી આપવું.

જિલ્લાના 'ટોપ યુરિયા ડીલર્સ' અને POS મશીનની થશે સઘન તપાસ

સરકાર દ્વારા તૈનાત કરાયેલા તપાસ અધિકારીઓ ખાતરના ડીલર્સની રૂબરૂ મુલાકાત લઈને કડક મોનિટરિંગ કરશે.

સ્ટોકની ક્રોસ ચકાસણી: POS મશીનના આંકડા અને ગોડાઉનમાં રહેલા ફિઝિકલ સ્ટોકનું સચોટ વેરીફિકેશન થશે.

ટોપ ડીલર્સ પર વોચ: દરેક જિલ્લામાં યુરિયાનું સૌથી વધુ વેચાણ કરતા 'ટોપ ડીલર્સ'ના ચોપડા વિગતવાર તપાસવામાં આવશે.

ટેગિંગ પર રોક: ખેડૂતોને તેમની માંગણી મુજબ ખાતર મળે છે કે નહીં અને વધારાનો સામાન ટેગ કરાય છે કે નહીં તેની તપાસ કરાશે.

ઔદ્યોગિક યુનિટ્સથી લઈને સ્ટેટ કંટ્રોલ રૂમ સુધી સતત વોચ

આ તપાસ અધિકારીઓ માત્ર ડીલરો જ નહીં, પરંતુ યુરિયા ખાતરનો વપરાશ કરતાં ઔદ્યોગિક યુનિટોની પણ મુલાકાત લેશે અને શંકાસ્પદ યુરિયાના સેમ્પલ લઈને તપાસશે જેથી ખેતીનું યુરિયા ઉદ્યોગોમાં ડાયવર્ટ ન થાય.

દરેક તપાસ અધિકારીની કામગીરીની દેખરેખ માટે ઝોન વાઈઝ નિરીક્ષણ અધિકારીની નિમણૂક કરાઈ છે. આ સમગ્ર પ્રક્રિયાનું રાજ્યના ખેતી નિયામકશ્રી દ્વારા રોજેરોજ કંટ્રોલ રૂમ મારફતે મોનિટરિંગ કરવામાં આવશે.

અનિયમિતતા જણાશે તો લાયસન્સ રદ અને જેલની કાર્યવાહી

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો તપાસ દરમિયાન કોઈ પણ ડીલર કે એજન્સી સ્ટોકમાં અનિયમિતતા, વધુ ભાવ વધારો કે ફરજિયાત ટેગિંગ જેવી ગેરરીતિઓમાં દોષિત જણાશે તો તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર ખેડૂતોને ખાતર પુરવઠો સરળતાથી અને યોગ્ય ભાવે ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.