Gandhinagar: ગુજરાત વિધાનસભામાં કસ્તૂરબા ગાંધીની 157મી જન્મજયંતિની ઉજવણી, શંકર ચૌધરીએ અર્પી પુષ્પાંજલિ

આ કાર્યક્રમમાં દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 11 Apr 2026 03:02 PM (IST)Updated: Sat 11 Apr 2026 03:02 PM (IST)
kasturba-gandhi-157th-birth-anniversary-tribute-at-gandhinagar-vidhansabha-726192
HIGHLIGHTS
  • કસ્તૂરબા ગાંધીની 157મી જન્મજયંતિ
  • ગુજરાત વિધાનસભામાં થઈ ઉજવણી
  • શંકરભાઈ ચૌધરીએ આપી શ્રદ્ધાંજલિ

Kasturba Gandhi Birth Anniversary: સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તુરબા ગાંધીજીની 157 મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કસ્તુરબા ગાંધીજીને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

રાષ્ટ્રસેવામાં કસ્તૂરબાનું અવિસ્મરણીય યોગદાન

અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પૂજ્ય કસ્તૂરબાને યાદ કરતા તેમના જીવન અને કાર્યને બિરદાવતા જણાવ્યું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં એક મહત્વપૂર્ણ સહયોગી બનીને પણ પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. જ્યારે મહાત્મા ગાંધીજી સંપૂર્ણપણે દેશસેવામાં સમર્પિત હતા, ત્યારે કસ્તૂરબા ગાંધીજી હંમેશા તેમની સાથે પડછાયાની જેમ રહ્યા અને તેમને અવિરત સહયોગ આપ્યો હતો.

યુવાનોને દેશના વિકાસ માટે સમર્પિત થવા હાકલ

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા, જેમને સંબોધતા શંકર ચૌધરીએ રાષ્ટ્રનિર્માણનો સંદેશો આપતા જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોએ માતૃભૂમિ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આથી, આજના યુવાનોની એ પ્રાથમિક ફરજ બને છે કે તેઓ દેશના વિકાસ માટે પૂર્ણપણે સમર્પિત બનીને કાર્ય કરે અને રાષ્ટ્રને પ્રગતિના નવા શિખરો પર આગળ ધપાવે.

DPS ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત

આ શ્રદ્ધાંજલિ પ્રસંગે કોબા સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) ના ધોરણ 10ના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લેવાની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત પણ લીધી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા, અને પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીને  શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.