Indulal Yagnik Birth anniversary: 'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા અને મહાગુજરાત આંદોલનના અગ્રેસર નેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકની 134મી જન્મ જયંતિ છે. આ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ સ્વ. ઇન્દુચાચાના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના લોકસેવાના કાર્યોને યાદ કર્યા હતા.

સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકની 134 મી જન્મ જયંતિ
સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકની 134 મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ ઈન્દુલાલ યાજ્ઞિકના જીવન વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું, જેની પ્રશંસા કરી ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ વિદ્યાર્થીને 'સન્માન પત્ર' એનાયત કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ રીટાબહેન મહેતા, વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકીય નેતા, પત્રકાર અને સાહિત્યકાર ‘ઇન્દુચાચા’
આઝાદીની ચળવળમાં ‘ઇન્દુચાચા’એ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ઇન્દુલાલ યાજ્ઞિક સાદગી, નિઃસ્પૃહતા અને સંઘર્ષના પર્યાય હતા. આઝાદીની ચળવળમાં તેમણે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ખભે ખભો મિલાવી સક્રિય ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને ગુજરાતના સ્થાપના કાળના ‘મહાગુજરાત આંદોલન’માં તેમનું નેતૃત્વ અજોડ રહ્યું હતું.
સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિક માત્ર એક રાજકીય નેતા જ નહીં, પરંતુ એક નીડર પત્રકાર, પ્રખર સાહિત્યકાર અને કિસાન-કામદાર પ્રવૃત્તિઓના સક્રિય સેવક પણ હતા. ઇન્દુલાલ યાજ્ઞિક વર્ષ 1957 થી 1972 દરમિયાન સાંસદ તરીકે કાર્યરત રહી પ્રજાહિતના પ્રશ્નોને મજબૂત રીતે વાચા આપી હતી. આ ઉપરાંત તેમણે આત્મકથા, નવલકથા, વ્યક્તિ-ચરિત્ર અને વિવિધ ગ્રંથો દ્વારા સાહિત્ય ક્ષેત્રે પણ બહોળું પ્રદાન આપ્યું હતું.
