Gandhinagar News: ગાંધીનગરના સેક્ટર-30 પાસે આવેલા સાબરમતી નદીના બ્રિજ પરથી આજે સવારે એક રિક્ષા નદીમાં ખાબકી હતી. ચિલોડાથી ગાંધીનગર કોર્ટ તરફ જઈ રહેલા શીહોલી ગામના એક યુવકની રિક્ષા અચાનક નદીમાં પલટી ખાઈ ગઈ હતી. ઘટના બાદ ફાયર બ્રિગેડે રિક્ષા બહાર કાઢી લીધી છે, પરંતુ રિક્ષાચાલક યુવક લાપતા થતાં તેને શોધવા માટે સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મોટી શીહોલી ગામના રહેવાસી રાકેશ પ્રહ્લાદજી ઠાકોર આજે સવારે પોતાના જમીનના દસ્તાવેજ કરાવવા માટે ગાંધીનગર કોર્ટ જઈ રહ્યા હતા. તે ચિલોડા તરફથી સેક્ટર-30 બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. રિક્ષા રેલિંગ વિનાના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. સ્થાનિકો દ્વારા બ્રિજનું કામ ચાલતું હોવા છતાં તંત્ર દ્વારા પૂરતા બેરીકેટીંગ ન કરાયા હોવાની ફરિયાદો ઉઠી છે.
ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે નદીના પાણીમાંથી રિક્ષાને બહાર કાઢી લીધી હતી. જોકે, રિક્ષાચાલક રાકેશ ઠાકોરનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. હાલમાં ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા સાબરમતી નદીના ઊંડા પાણીમાં રાકેશને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા રાકેશના પરિવારજનો અને શીહોલી ગામના લોકો પણ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ ગમગીન બન્યું હતું. ઘટનાને પગલે સેક્ટર-30 બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ચિલોડા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી શરૂ કરી હતી અને પરિસ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ અંગે ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ.જે. ચૌહાણે જણાવ્યું હતું કે, મોટી શીહોલી ગામનો રાકેશ ઠાકોર નામનો યુવક રિક્ષા લઈને બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે વખતે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા રિક્ષા નદીમાં ખાબકી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પ્રારંભિક તપાસમાં રિક્ષામાં રાકેશ ઠાકોર એકલો જ હોવાનું બહાર આવ્યું છે. હાલમાં બ્રિજ પર ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, અને નદીના પ્રવાહમાં લાપતા થયેલા યુવકની શોધખોળ અવિરતપણે જારી છે. સૌની નજર આ સર્ચ ઓપરેશનના પરિણામ પર ટકેલી છે.
