ગાંધીનગરના શાંતિભાઈ પટેલે 1 એકર ખારેકની પ્રાકૃતિક ખેતીમાંથી મેળવી ₹6 લાખની કમાણી

ગાંધીનગરના શાંતિભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટીની ટીશ્યુ કલ્ચર ખારેકની પ્રાકૃતિક ખેતી કરી 1 એકરમાંથી ₹6 લાખની બમ્પર કમાણી કરી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 07 Aug 2026 06:00 AM (IST)Updated: Fri, 07 Aug 2026 06:00 AM (IST)
shantibhai-patel-from-gandhinagar-earned-6-lakh-from-the-natural-farming-of-date-palms-on-one-acre-of-land

Natural Farming Success Story: આજના સમયમાં જ્યારે મોટાભાગના ખેડૂતો મોંઘા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને ખેતીના વધતા ખર્ચથી પરેશાન છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના એક ખેડૂતે કુદરતી ખેતી પદ્ધતિ અપનાવીને અન્ય તમામ માટે નવો રાહ ચીંધ્યો છે. ગાંધીનગરના શિવપુરા કંપા ગામના પ્રગતિશીલ ખેડૂત શાંતિભાઈ પટેલ આજે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી બમ્પર સફળતા મેળવીને પ્રેરણાસ્રોત બન્યા છે.

શાંતિભાઈએ આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) દ્વારા સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરાયેલી ટીશ્યુ કલ્ચર ખારેકની ખેતી વર્ષ 2015થી શરૂ કરી હતી. રાસાયણિક ખાતરનો સંપૂર્ણ ત્યાગ કરીને માત્ર પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવાથી તેમની ઉત્પાદન પડતર સાવ શૂન્ય થઈ ગઈ છે.

માત્ર 1 એકરમાંથી 10,000 કિલોથી વધુ ઉત્પાદન

સામાન્ય રીતે લોકો બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરતા અચકાતા હોય છે, પરંતુ શાંતિભાઈએ પોતાની સુઝબુઝ અને યોગ્ય જતનથી આ ભ્રમણા ભાંગી નાખી છે. તેમણે માત્ર 1 એકર જમીનમાંથી 10 ટનથી પણ વધુ ખારેકનું રેકોર્ડબ્રેક ઉત્પાદન મેળવ્યું છે.

તેમની મધ જેવી મીઠી અને કેમિકલમુક્ત ખારેકની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે ગ્રાહકો સામેથી તેમના ખેતરે ખરીદી માટે આવી રહ્યા છે. ખારેકની એક જ સીઝનમાં તેમને તમામ ખર્ચ બાદ કરતાં ₹5 થી 6 લાખનો ચોખ્ખો નફો થયો છે.

મગફળીનું આંતરપાક તરીકે વાવેતર અને આવક બમણી કરવાનો કસબ

શાંતિભાઈ માત્ર ખારેક પૂરતા મર્યાદિત નથી. તેઓ મોટા પાયે બટાકાની સફળ ખેતી પણ કરે છે. વધુમાં, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને મહત્તમ આર્થિક લાભ મેળવવા તેમણે તાજેતરમાં અન્ય દોઢ હેક્ટર જમીનમાં ખારેકની સાથે મગફળીનું આંતરપાક (Intercropping) તરીકે વાવેતર કર્યું છે.

બાગાયતી ખેડૂતો માટે શાંતિભાઈનો સંદેશ

પોતાનો અનુભવ શેર કરતા શાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે- જો બાગાયતી પાકોમાં સમયસર અને પદ્ધતિસરની કાળજી લેવામાં આવે તો રાસાયણિક ખેતી કરતાં પણ પ્રાકૃતિક ખેતીમાં વધુ સારું ઉત્પાદન મેળવી શકાય છે. દેશી ગાય આધારિત ખેતીમાં ખાતર-દવાનો ખર્ચ શૂન્ય થઈ જાય છે, જેથી સીધો ફાયદો ખેડૂતના ખિસ્સામાં જાય છે.

તેમણે રાજ્યના તમામ બાગાયતી ખેડૂતોને આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે અને ખેતીને આત્મનિર્ભર બનાવવા માટે રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી છે.