Raju Karpada Net Worth 2026: આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નવા ઉમેદવાર અને જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાના સોગંદનામાએ રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે. માત્ર સાડા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તેમની સંપત્તિમાં થયેલો 5 ગણો આશ્ચર્યજનક ઉછાળો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.
માત્ર 4 વર્ષમાં સંપત્તિ ₹61 લાખથી વધી ₹3.12 કરોડ
રાજુ કરપડાએ તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. વર્ષ 2022માં જ્યારે તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમની કુલ સંપત્તિ અંદાજે ₹61 લાખ હતી. જે 2026માં વધીને ₹3.12 કરોડ થઈ ગઈ છે.
સંપત્તિમાં થયેલો મુખ્ય ફેરફાર:
- જમીન: તેમની પાસે પહેલા 15 વીઘા જમીન હતી, જે હવે વધીને 55 વીઘા થઈ ગઈ છે. ચોંકાવનારી વિગત એ છે કે, વધારાની 40 વીઘા જમીન માત્ર વર્ષ 2023ના પ્રથમ 5 મહિનામાં જ ખરીદવામાં આવી છે.
- સોનું અને દાગીના: દંપતી પાસેના સોના-ચાંદીના દાગીનાની કિંમત ₹12.50 લાખથી વધીને ₹69 લાખ થઈ છે. જેમાં તેમની પત્ની પાસે જ ₹60 લાખનું 400 ગ્રામ સોનું હોવાનો ઉલ્લેખ છે.
- વાહનોનો કાફલો: રાજુ કરપડા પાસે હવે ઇનોવા ક્રિસ્ટા અને અર્ટિગા સહિત કુલ 5 વાહનો છે, જેની કિંમત ₹28.50 લાખ અંકાયેલી છે.
દેવું અને કોર્ટ કેસમાં પણ વધારો
સંપત્તિની સાથે સાથે રાજુ કરપડાની કાયદાકીય મુશ્કેલીઓ પણ વધી છે. 2022માં તેમની સામે 3 કોર્ટ કેસ હતા, જે હવે વધીને 6 થયા છે. આ ઉપરાંત, બેંક લોનનું દેવું પણ ₹24.97 લાખથી વધીને ₹48.59 લાખ પર પહોંચ્યું છે. જ્યારે હાથ પરની રોકડમાં ઘટાડો (₹1.54 લાખથી ઘટીને ₹62,170) નોંધાયો છે.
*કોણ છે રાજુ કરપડા? 'આપ'થી ભાજપ સુધીની સફર
મૂળી તાલુકાના દૂધઈ ગામના વતની રાજુ કરપડા સૌપ્રથમ 2018માં ખેડૂત આગેવાન તરીકે લાઈમલાઈટમાં આવ્યા હતા. તેમણે પાક વીમા અને જમીન માપણીના પ્રશ્નો ઉઠાવીને ખેડૂતોમાં પોતાની પકડ જમાવી હતી.
- 2022: આમ આદમી પાર્ટી (AAP) તરફથી ચોટીલા બેઠક પર ચૂંટણી લડ્યા અને 45,937 મત મેળવી બીજા ક્રમે રહ્યા.
- 2026: 11 ફેબ્રુઆરીએ 'આપ'માંથી રાજીનામું આપ્યું અને 9 એપ્રિલે ભાજપમાં જોડાયા. જોડાયાના ગણતરીના દિવસોમાં જ તેમને જિલ્લા પંચાયતની ટિકિટ મળી ગઈ.
રાજકીય વિશ્લેષકો માને છે કે, ખેડૂત નેતા તરીકેની છબી ધરાવતા કરપડાની મિલકતમાં થયેલો આ આકસ્મિક વધારો વિપક્ષ માટે ચૂંટણીમાં મોટું હથિયાર બની શકે છે. ખાસ કરીને આવકના સ્ત્રોત અને જમીન ખરીદીના સોદાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
