TTF અમદાવાદ 2026ની શરૂઆત;ભારત અને વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નોંધપાત્ર ભાગીદારી

TTF અમદાવાદ 2026નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુખ્ય અતિથિ તરીકે કરવામાં આવ્યું હતું.આ અવસરે જાહેર કરાયેલા પોતાના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે,ગત બે દાયકાથી ગુજરાતમાં યોજાતો આ ટ્રાવેલ ટ્રેડ ફેર રાજ્યના પ્રવાસન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 06 Aug 2026 10:14 PM (IST)Updated: Thu, 06 Aug 2026 10:14 PM (IST)
ttf-ahmedabad-2026-kicks-off-significant-participation-from-india-and-the-worlds-tourism-industry

TTF Ahmedabad 2026: પશ્ચિમ ભારતના અગ્રણી સ્થાનિક અને આઉટબાઉન્ડ પ્રવાસન બજાર તરીકે ગુજરાતના વધતા મહત્વને ઉજાગર કરતાં TTF અમદાવાદ 2026નો આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ભવ્ય પ્રારંભ થયો છે. ફેરફેસ્ટ મીડિયા દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ટ્રાવેલ ટ્રેડ પ્રદર્શન 6થી 8 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે, જેમાં ભારત તથા વિદેશના પ્રવાસન બોર્ડ્સ, ટ્રાવેલ કંપનીઓ, હૉસ્પિટાલિટી બ્રાન્ડ્સ, એરલાઇન્સ, પ્રવાસન આકર્ષણો, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ (DMCs) તેમજ ટ્રાવેલ ટેક્નોલોજી પ્રદાતાઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે.

TTF અમદાવાદ 2026નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુખ્ય અતિથિ તરીકે કરવામાં આવ્યું હતું.આ અવસરે જાહેર કરાયેલા પોતાના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે,ગત બે દાયકાથી ગુજરાતમાં યોજાતો આ ટ્રાવેલ ટ્રેડ ફેર રાજ્યના પ્રવાસન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ પ્રદર્શન પ્રવાસન સ્થળોના પ્રચાર-પ્રસાર, વ્યાવસાયિક ભાગીદારીને મજબૂત બનાવવા તેમજ પ્રવાસન ક્ષેત્રના વિવિધ હિતધારકોને એક મંચ પર લાવવામાં અસરકારક સાબિત થયું છે. રાજ્ય સરકારે વર્ષ 2026ને 'પર્યટન વર્ષ' તરીકે જાહેર કર્યું છે ત્યારે આ ટ્રાવેલ ફેર ગુજરાતના પ્રવાસન સ્થળો અને તકોને વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ પ્રસંગે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉત્તરાખંડ સરકારના માનનીય પ્રવાસન, જાહેર નિર્માણ, સિંચાઈ, સંસ્કૃતિ, ગ્રામ્ય વિકાસ અને લઘુ સિંચાઈ મંત્રી સતપાલ મહારાજ, ગોવા સરકારના માનનીય પ્રવાસન, માહિતી પ્રૌદ્યોગિકી, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી મંત્રી રોહન એ. ખાઉન્ટે તેમજ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ કુલદીપ આર્યા (IAS) મહાનુભાવ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત ટુરિઝમના કમિશનર તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિપિન ગર્ગ (IAS), ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર વાય એસ ચૌધરી (IAS) સહિત પ્રવાસન ક્ષેત્રના અનેક અગ્રણીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 TTF અમદાવાદ 2026માં 10 દેશોના 900થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે, જે પ્રવાસન સ્થળો, હૉસ્પિટાલિટી, પ્રવાસન સેવાઓ, હોલિડે પેકેજ, ટ્રાવેલ ટેક્નોલોજી અને વિવિધ પ્રવાસન અનુભવોનું પ્રદર્શન કરી રહ્યા છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમ સંપૂર્ણપણે B2B નેટવર્કિંગ પર કેન્દ્રિત છે.

ઇઝરાયલ આ વર્ષની Featured Country તરીકે ભાગ લઈ રહ્યું છે. તેની સાથે વિયેતનામ, શ્રીલંકા, સંયુક્ત આરબ અમીરાત (UAE), નેપાળ, અમેરિકા, ચીન, થાઇલેન્ડ અને ભૂટાન જેવા દેશો પણ પોતાની પ્રવાસન ક્ષમતાઓ રજૂ કરી રહ્યા છે.

ગુજરાત ટુરિઝમ આ વર્ષની યજમાન રાજ્ય તરીકે જોડાયું છે. જ્યારે ગોવા, ઉત્તરાખંડ, ઓડિશા, રાજસ્થાન, કેરળ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પંજાબ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને કર્ણાટક પાર્ટનર રાજ્ય તરીકે ભાગ લઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ, આસામ, દિલ્હી અને મેઘાલય ફીચર સ્ટેટ્સ તરીકે દેશના વૈવિધ્યસભર પ્રવાસનનું પ્રદર્શન કરી રહ્યા છે.