Gujarat Farmers Protest: જામનગર જિલ્લામાં ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને ખાસ કરીને સરકારના નવા વીજ લાઈન પરિપત્રના વિરોધમાં ખેડૂતોએ મોરચો માંડ્યો છે. આજે જામનગર જિલ્લા ખેડૂત સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ રસ્તા પર ઉતરીને હલ્લાબોલ કર્યો હતો અને પોતાની માંગણીઓ બુલંદ કરી હતી. ખેડૂતોએ પોતાની એકતાનું પ્રદર્શન કરતા વિરલબાગથી શરૂ કરીને કલેક્ટર કચેરી સુધી એક વિશાળ પદયાત્રા કાઢી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ખેડૂતોમાં મુખ્યત્વે સરકાર દ્વારા તાજેતરમાં તારીખ 4/7/2026ના રોજ બહાર પાડવામાં આવેલા વીજ લાઈન પરિપત્રને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ પરિપત્રનો ઉગ્ર વિરોધ નોંધાવવાની સાથે સાથે ખેડૂતોએ પોતાના હિત માટે અને કૃષિ સંબંધિત અન્ય વણઉકેલ્યા પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ લાવવા માટે પણ સરકાર સમક્ષ માંગ કરી છે.
ખેડૂતોના હક્ક માટે યોજાયેલા આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. જામનગર જિલ્લા ખેડૂત સમિતિના આયોજન હેઠળ યોજાયેલી આ પદયાત્રા અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ દ્વારા ખેડૂતોએ પોતાની એકતા અને પોતાના હક્ક માટે સ્પષ્ટ શક્તિ પ્રદર્શન કર્યું હતું.
