UpdatedIST

Jamnagar: ધ્રોલમાં કડવા પાટીદારના સ્નેહમિલનમાં જેરામ બાપાની ટકોર- 'દીકરીઓ ફેશનથી અને ભાઈઓ વ્યસનથી દૂર રહે'

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સમાજ ઉત્થાનના સંકલ્પો લેવામાં આવ્યા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 19 Feb 2026 10:27 PM (IST)Updated: Thu 19 Feb 2026 10:27 PM (IST)
jamnagar-dhrol-kadva-patidar-event-jeram-bapa-urges-youth-to-stay-away-from-fashion-and-addiction-695329
HIGHLIGHTS
  • શિક્ષણની સાથે-સાથે સંસ્કારનું સિંચન પણ જરૂરી

Jamnagar: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે તાજેતરમાં કડવા પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક કુરિવાજો દૂર કરવા અને નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનાર નિવૃત્ત શિક્ષિકા બહેનોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

પાટીદાર અગ્રણી જેરામબાપાએ પોતાના સંબોધનમાં સમાજની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, આપણા વડીલોએ જે પ્રણાલી પાડી હતી, તે આપણે ભૂલી રહ્યા છીએ.

પહેલાં દીકરીઓને મોળાકત અને જયા પાર્વતી જેવા વ્રત દ્વારા શિસ્ત અને ગમે તેવા સંજોગોમાં સેટ થવાની તાલીમ મળતી હતી. આજે શિક્ષણ અને સંપત્તિ આવી છે, તે ગૌરવની વાત છે. જો કે વૈચારિક ખામીને કારણે સમાજને નુકસાન થઈ રહ્યું છે.

સમાજમાં વધતા જતા છૂટાછેડા અટકાવવા મક્કમ સંકલ્પ લેવા અપીલ
ભાઈઓને વ્યસન છોડવા અને બહેનોને અંધાધૂંધ ફેશનથી દૂર રહી સાદગી અપનાવવા ટકોર કરી. સસરા અને સાસરી પક્ષના માન-સન્માન જળવાય તેવી જૂની રીત-ભાત યાદ અપાવી.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ વાલીઓને ખાસ અપીલ કરતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં બાળકોને માત્ર સુવિધાઓ આપવી પૂરતી નથી, પરંતુ તેમને પૂરતો સમય આપવો અને તેમના ઉછેર પર વ્યક્તિગત ધ્યાન આપવું એ દરેક માતા-પિતાની પ્રાથમિક જવાબદારી છે.