Jamnagar: જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલ શિવમ પાર્કમાંથી 'દ્રશ્યમ' ફિલ્મની માફક હત્યાની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જેમાં આજથી બે વર્ષ પૂર્વે પોલીસ ચોપડે ગુમ થયેલા યુવકની તેની જ પત્નીએ પ્રેમી સાથે મળીને ઘાતકી હત્યા કરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પતિની હત્યા કર્યાં બાદ તેની લાશને પ્રેમીના જ કારખાનામાં 10 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પતિ પોતાની પત્નીને શારીરિક અને માનસિ ત્રાસ આપતો હતો. આથી પત્નીએ પોતાના પ્રેમીને વાત કરીને પતિનો કાંટો કાઢી નાંખવાનું કાવતરું ઘડી નાંખ્યું હતુ.
જે બાદ પ્રેમીએ યુવકને પોતાના જ કારખાનામાં પાર્ટી કરવાના બહાને બોલાવ્યો હતો. જ્યાં કેફી પીણું પીવડાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોતાનો ગુનો છુપાવવા માટે કારખાનામાં જ 10 ફૂટનો ખાડો ખોદીને ત્યાંજ લાશને દાટી દેવામાં આવી હતી.
પતિ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે, ત્યાં કંપનીમાં ફોન પર વાત નથી થતીઃ પત્ની
પતિની હત્યા બાદ પત્નીએ બે વર્ષ સુધી પરિવારને ચાલાકીપૂર્વક ગુમરાહ કર્યા હતા. પરિવાર પૂછતો ત્યારે પત્ની કહેતી કે, પતિ ઑસ્ટ્રેલિયામાં નોકરી કરે છે. જ્યારે પરિવારના સભ્યો સંપર્ક કરવા માટે નંબર માંગતા, ત્યારે બહાનું કાઢતી કે, તે ઑસ્ટ્રેલિયામાં જે કંપનીમાં કામ કરે છે, ત્યાં ફોન પર વાત કરવાની મંજૂરી નથી.
સતત બે વર્ષ સુધી યુવક સાથે સંપર્ક ના થતાં પરિવારને શંકા ગઈ હતી. આથી તેમણે પત્નીની કડકાઈથી પૂછપરછ કરીને પોલીસમાં જવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલી પત્નીએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી.
આ અંગે વિગતો આપતા ASP પ્રતિભાએ જણાવ્યું કે, સિટી 'બી' પોલીસ સ્ટેશનમાં અશોક માવદિયા નામના વ્યક્તિએ એક અરજી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમનો ભાઈ જિગ્નેશ છેલ્લા બે વર્ષથી લાપતા છે. અગાઉ પૂછપરછમાં પત્ની ઓસ્ટ્રેલિયાનું બહાનું બતાવતી હતી. જો કે પોલીસ દ્વારા આ અરજીની ઊંડાણપૂર્વક તપાસ કરતા આખી મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચકાયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
