Jamnagar Farmer Suicide: જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના સતિયા ગામે એક વૃદ્ધ ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના પુત્ર દ્વારા પોલીસને આપવામાં આવેલી માહિતી અનુસાર મૃતક તેમના પુત્રો સાથે મળી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, સતિયા ગામના 65 વર્ષીય ગાંગજીભાઈ બેચરભાઈ ચૌહાણ વર્ષોથી ખેતીકામ સંભાળતા હતા અને તેમના બે પુત્રો પણ તેમને ખેતીમાં મદદ કરતા હતા. ગાંગજીભાઈએ ગત 10 જુલાઈના રોજ પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી. જોકે, તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં લાંબી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર નરેશભાઈ ચૌહાણે પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ મોતના ચોક્કસ કારણો અને અન્ય પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
