Jamnagar News: જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી હસ્તક મહિસાગરના કોયડમ ખાતે ધન્વંતરી આયુર્વેદ કોલેજ આવેલી છે. કોલેજ મેનેજમેન્ટે લીધેલી લોનની ભરપાઈ ન કરતા છેલ્લા 6 મહિનાથી કોલેજને સીલ કરવામાં આવી છે. જેના લીધે તબીબી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યાની ભીતિ સર્જાઈ છે. જે અંગે વિદ્યાર્થીઓ દ્વારા જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં લેખિત રજૂઆત કરાઈ છે
મહીસાગરની આયુ. કોલેજને તાળા
મહીસાગરમાં આવેલ ધન્વંતરી કોલેજમાં 150 વિદ્યાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરે છે. જે અંગે કોલેજના 30 જેટલા વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલર સમક્ષ લેખિત રજૂઆત કરી છે કે, કોલેજમાં પૂરતો સ્ટાફ નથી, કોલેજમાં પ્રિન્સિપાલ અને ફેકલ્ટીનો અભાવ છે. જેના લીધે નિયમિત અભ્યાસ પર અસર પડી રહી છે. ઉપરાંત પ્રેક્ટિકલ શિક્ષણ પણ અપાતુ નથી. તેવો ઉલ્લેખ રજૂઆતમાં કર્યો છે. જેથી અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે.
મેનેજમેન્ટે લોન ન ભરતા કોલેજને તાળું
વિદ્યાર્થીઓ પાસેથી મળેલી વિગતો મુજબ, કોલેજ મેનેજમેન્ટે લોન લીધી હતી. જે લોનની ચૂકવણી ન કરાતા બેન્ક અધિકારીઓએ કોલેજને સીલ કરી દીધી છે. કોલેજ છેલ્લા 6 મહિનાથી કોલેજ બંધ છે. જેથી વિદ્યાર્થીઓ છેલ્લા 6 મહિનાથી નવા સિલેબસ મુજબ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ ગાઈડન્સના અભાવે અભ્યાસમાં ગંભીર મુશ્કેલીઓ ઉભી થઈ છે. વિદ્યાર્થીઓ દ્વારા ફી ભરાઈ હોવા છતા કોઈ કાર્યવાહી કરાઈ નથી.
