Girl dies in dog attack: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં કરુણા જનક બનાવ બન્યો હતો. રસ્તે રઝળતા કૂતરાઓએ એક શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. ઈજાગ્રસ્ત બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી ભારે અરેરાટી ફેલાઈ છે.
શ્રમિક પરિવારની દીકરી સાથે બન્યો કરૂણ બનાવ
આ બનાવની મળતી વિગત અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની સુરલાભાઈ વેસ્તાભાઈ કનેશ હાલ કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત અશોકભાઈ ભીખાભાઈ રાંકની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરે છે. આ પરપ્રાંતિય શ્રમિકની 11 વર્ષની પુત્રી રાજલબેન, કે જે પોતાની વાડીએથી ઘરે ચાલીને પરત ફરી રહી હતી.
રખડતા કૂતરાઓએ કર્યો હુમલો, બાળકી થઈ લોહીલુહાણ
આ દરમિયાન રસ્તામાં ચાર-પાંચ રઝળતા કૂતરાઓએ બાળકીને ઘેરી લીધી હતી, અને શરીરના અલગ અલગ ભાગોમાં બચકા ભરી લીધા હતા. કૂતરાઓએ હુમલો કરતા બાળકી લોહી લુહાણ થઈને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ હતી. બાળકીને સારવાર માટે ગંભીર હાલતમાં કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
સારવાર દરમિયાન થયું બાળકીનું મોત
કાલાવડની સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બાળકીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું, તેથી શ્રમિક પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી. આ બનાવ અંગે બાળકીના પિતા સુરલાભાઈએ પોલીસને જાણ કરી હતી. કાલાવડના PSI સી. બી. રાંકજા બનાવના સ્થળે અને ત્યારબાદ કાલાવડની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા. પોલીસ ટીમે બાળકીના મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
