Jamnagar Navratri Organizer Sanjay Chetariya: જામનગરના નવરાત્રી સંચાલક સંજય ચેતરિયા સામે કાયદાનો સકંજો વધુ મજબૂત બની રહ્યો છે. એક વેપારીને વીડિયો વાયરલ કરવાની અને વેપાર-ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવવા આરોપમાં તેમની સામે વધુ એક ગુનો નોંધાયો છે, જેનાથી તેમની સામે નોંધાયેલી ફરિયાદની કુલ સંખ્યા હવે પાંચ પર પહોંચી છે.
વેપારીને ધમકાવીને 3 લાખ વસૂલ્યા
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા અને પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા નયનભાઈ સુરેશભાઈ ભાયાણીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, સંજય ચેતરિયા નયનભાઈના હાપા વેરહાઉસ પાછળ આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ ગોડાઉન પર પહોંચ્યા હતા. ત્યાં ગોડાઉનમાં રહેલા સસ્તા અનાજના ઘઉંનો વીડિયો ઉતારી તેમણે નયનભાઈને પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી પકડાવી દેવાની ધમકી આપી હતી.
વીડિયો વાયરલ કરવાનો ડર બતાવ્યો
સંજય ચેતરિયાએ પોતાની 'સનાતન સત્ય સમાચાર' નામની યુટ્યુબ ચેનલમાં આ વીડિયો મૂકી વેપારીનો ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, મોબાઈલ ફોન અને વોટ્સએપ કોલ મારફતે સતત ધમકી આપી ગેરશબ્દો બોલવામાં આવ્યા હતા. વેપારીમાં મૃત્યુનો ભય ઉભો કરી સંજયે પોતાના સાગરીત દીપકભાઈને મોકલી બળજબરીપૂર્વક 3 લાખ રૂપિયા પડાવ્યા અને ત્યારબાદ વધુ 2 લાખની માંગણી ચાલુ રાખી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ ગંભીર ફરિયાદના આધારે જામનગરના પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંજય ચેતરિયા, દીપકભાઈ અને તપાસમાં જેમના નામ ખુલે તે અન્ય શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS) ની કલમ 308(5), 356(1), 351(3), 352 અને 61(2) મુજબ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલાની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એન. શેખના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહી છે.
