Jamnagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાત લેશે જ્યાં તેઓ શહેરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતેથી જામનગરવાસીઓને રૂ. 622 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા 69 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે.આ કાર્યક્રમમાં રૂ. 487.62 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ કામોનું લોકાર્પણ કરાશે, જેમાં સૌથી મહત્વનું લોકાર્પણ જામનગર મહાનગર પાલિકા હેઠળના રૂ. 226 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થયેલ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ સુભાષચંદ્ર બોઝ સ્ટેચ્યુથી સાત રસ્તા સર્કલ સુધી. જેનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે.
આ ઉપરાંત, પીવાના પાણીની મહત્વપૂર્ણ યોજનાઓનું પણ લોકાર્પણ થશે, જેમાં રૂ. 121 કરોડના ખર્ચે ઉંડ-1 ડેમથી પીવાના પાણીની પાઈપલાઈનનું કામ અને રૂ. 40 કરોડથી વધુના ખર્ચે સીવેજ પંપીંગ સ્ટેશન તથા સંલગ્ન કામોનો સમાવેશ થાય છે. શિક્ષણ ક્ષેત્રે એક મોટી સુવિધા ઉમેરાશે, જેમાં રૂ. 54.94 કરોડના ખર્ચે શ્રી એમ.પી. શાહ મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે તૈયાર થયેલ ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
અન્ય લોકાર્પણ કામોમાં રૂ. 15.98 કરોડ અને રૂ. 8.29 કરોડના ખર્ચે ઢીચડા પાર્ટ-3 અને પાર્ટ-2 વિસ્તારમાં સીવર કલેકશન પાઈપલાઈન નેટવર્કનું કામ, રૂ. 2.44 કરોડના ખર્ચે વોર્ડ નં. 7 અને વોર્ડ નં. 15, 16, લાલપુર રોડ પર સીવીક સેન્ટર બનાવવાનું કામ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ બાલંભડી અને ખળધોરાજી ખાતે નવી આંગણવાડીઓ તથા લલોઈ તેમજ મોટી વાવડી ખાતે નવા પંચાયત ભવનનું કામ, રૂ. 7.41 કરોડના ખર્ચે ઝાખર તથા રૂ. 5.85 કરોડના ખર્ચે સોગઠી ખાતે પંચાયત ઈરીગેશનના કામ અને વાવડી ગામે રેનબસેરાના કામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. 134.90 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આમાં જામનગર જિલ્લાના દોઢીયા, પસાયા, ધુડસીયા, હડમતીયા, લતીપુર, બાલંભા, છતર, ખડખંભાળીયા, મોટા ખડબા, મોડપર, લાલપુર, શેઠવડાળા, સડોદર ખાતેના પશુ દવાખાનાના કામોનો સમાવેશ થાય છે. સુરક્ષા અને વહીવટ ક્ષેત્રે, રૂ. 20.36 કરોડના ખર્ચે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તથા મહિલા પોલીસ સ્ટેશનનું કામનું ખાતમુહૂર્ત થશે.

અન્ય ખાતમુહૂર્ત થનાર કામોમાં સરાપાદર ખાતે નવી આંગણવાડીનું કામ, સણોસરા ખાતે પાણીના ટાંકાનું તથા સ્મશાનને કમ્પાઉન્ડ વોલનું કામ, નાના ખડબા તથા રંગપર ગામે પેવર બ્લોકનું કામ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના વિવિધ 34 કામો, અને રૂ. 33.89 કરોડના ખર્ચે જામનગર મહાનગર પાલિકા હેઠળના સિવિલ પ્રોજેક્ટ્સના 16 કામોનો સમાવેશ થાય છે.
