Kangana Ranaut At Gir National Park: અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌત હાલમાં ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન, કંગનાએ તેની બહેન રંગોલીના પુત્ર પૃથ્વી સાથે ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી, જે તેનો પ્રિય પ્રવાસ સાથી પણ છે. કંગનાએ આ સાહસિક પ્રવાસના ખાસ ફોટા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યા અને ગુજરાતની સુંદરતા વિશે એક ખાસ નોંધ વાત પણ લખી.
અભિનેત્રીએ ભાણેજ સાથે લીધી ગીરની મુલાકાત
સાસણ ગીર વન વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કંગના રનૌત અને તેનો ભાણેજ પૃથ્વી આજે વહેલી સવારે 6:15 વાગ્યાની આસપાસ સફારી પાર્કમાં પ્રવેશી હતી. એક્ટ્રેસે આશરે બે કલાકનો સમય જંગલ સફારીમાં વિતાવ્યો હતો. કંગના રનૌતે ખુલ્લી જિપ્સીમાં સફારી પાર્કની મુલાકાત લઈને જંગલનો રોમાંચક અનુભવ કર્યો હતો.

કંગનાએ સિંહ દર્શન કર્યા
સફારી દરમિયાન એક્ટ્રેસ કંગના રનૌતે તેના ભાણિયા સાથે બે નર સિંહ અને એક માદા સિંહના દર્શન કર્યા હતા. ગીરના જંગલમાં મુક્તપણે વિહરતા સિંહોને જોઇને કંગના રનૌત ખૂબ જ ખુશ થઈ હતી અને ગુજરાતનું ગૌરવ એવા આ શક્તિશાળી પ્રાણીઓના ભરપૂર વખાણ કર્યા હતા.
કંગનાની પોસ્ટ
કંગના રનૌતે તેના નાના મિત્ર પૃથ્વી સાથે ઇન્સ્ટાગ્રામ પર ઘણા સુંદર ફોટા શેર કર્યા છે. તેઓએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલ સફારીનો આનંદ માણ્યો હતો. આ ફોટામાં કંગના સફારી જેકેટ અને ટોપી પહેરેલી, જીપમાં બેઠેલી અને દૂરબીન દ્વારા પ્રાણીઓને જોતી જોવા મળે છે.
ગુજરાતની સુંદરતાથી પ્રભાવિત થઈ કંગના
કંગનાએ આ અદભુત ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું- ગુજરાત અદ્ભુત છે. હું તેની સુંદરતા, સંસ્કૃતિ અને પ્રામાણિકતાથી આશ્ચર્યચકિત છું. આજે હું મારા નાના મિત્ર પૃથ્વી સાથે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં છું. પૃથ્વી મારો પ્રિય ટ્રાવેલ પાર્ટનર બની ગયો છે. અમે વિવિધ પ્રાણીઓ જોઈને ખૂબ ખુશ છીએ. આમ પણ ગુજરાતના સિંહો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
ગીરના કુદરતી સૌંદર્ય અને ઇકો સિસ્ટમની પ્રશંસા કરી
કંગના રનૌતે ગીરના કુદરતી સૌંદર્ય અને અહીંની ઇકો સિસ્ટમની પ્રશંસા કરી હતી. ગીર માત્ર સિંહોનું જ નહીં પણ ખળખળ વહેતા ઝરણાં, રમણીય ડુંગરો અને પક્ષીઓના મધુર કલરવથી ભરપૂર એક અદ્ભુત કુદરતી ધામ છે.
ગીર નેશનલ પાર્ક
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જેને સાસણ ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતમાં સ્થિત એક મહત્વપૂર્ણ વન્યજીવન અભયારણ્ય છે. તે એશિયાઈ સિંહનું છેલ્લું કુદરતી ઘર છે. 1965માં સ્થાપિત આ અભ્યારણ 1,412 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લે છે, જેમાંથી 258 ચોરસ કિલોમીટર રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ઉદ્યાનમાં દીપડા, હરણ (સાંબર, ચિતલ), નીલગાય, જંગલી ડુક્કર અને 200થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ સહિત વિવિધ પ્રાણીઓનો સમાવેશ થાય છે.
